Placeholder canvas

લોકોને કરોડોનો ચૂનો ચોપડનારી ઠગ ટોળકી પકડાઈ

પહેલાં ઉંચા કામે ડેટા ઍન્ટ્રીની નોકરી પછી કામમાં વાંધો કાઢી નોટિસ !

રાજકોટ સહિત રાજ્યના દરેક સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં છેતરપિંડીના દરરોજ અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે સાંભળ્યા પછી પોલીસ પણ ચકરાવે ચડી રહી છે. આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં પહેલાં ઉંચા કામે ડેટા ઍન્ટ્રી ઓપરેટરની નોકરી આપ્યા પછી કામમાં વાંધો કાઢીને નોટિસ ફટકારી પૈસા પડાવવામાં આવી રહ્યા હતા. આ રીતે એક યુવક અને યુવતીએ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાનો ખુલાસો થયો છે.

સુરતમાંથી સાયબર ક્રાઈમે બે લોકોની ધરપકડ કરી છે જેમાં એવો ખુલાસો થયો છે કે આ બન્ને દ્વારા પહેલાં લોકોને ઘરેબેઠા ડેટા એન્ટ્રીની ઓફર આપવામાં આવતી હતી. આ ઓફર સોશ્યલ મીડિયાના માધ્યમથી અપાઈ રહી હતી. કામ આપ્યા બાદ તેમાં વાંધા કાઢી નોટિસ ફટકારાઈ હતી અને તેના બદલામાં પૈસા પડાવાઈ રહ્યા હતા. આ લોકોએ અત્યાર સુધીમાં અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે. હાલ સાયબર ક્રાઈમે આ બન્નેની પૂછપરછ શરૂ કરી છે જેમાં આ કૌભાંડમાં સામેલ અન્ય લોકોના નામો પણ સામે આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ કૌભાંડની અરજી ગાંધીનગર સુધી થઈ હતી. ગાંધીનગર સાયબર ક્રાઈમ સેલમાં પણ આ મામલે ઘરી અરજીઓ આવી હતી આમાંથી એક અરજીમાં જણાવાયું હતું કે સુરતમાં સિક્યોર જોબ, ક્રિએટીવ જોબના નામે વર્ક ફ્રોમ હોમ દ્વારા ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ આપીને મહિને હજારો રૂપિયાની આવકની ખાતરી આપીને છેતરપિંડી આચરવામાં આવી છે.

અરજી કરનાર વ્યક્તિ સાથે સાત હજાર રૂપિયામાંં મેમ્બરશિપ એગ્રીમેન્ટ કરીને કામ આપવામાં આવતું હતું જે પછી એક અઠવાડિયામાં ચોકસાઈ સાથે કામ કરવાની શરત રાખીને કામ પૂર્ણ થયા બાદ આ ટોળકી કામમાં વાંધા કાઢીને તેને કોન્ટ્રાક્ટ તોડવાના નામે લીગલ નોટિસ મોકલતી હતી અને ત્યારપછી નાણાં પડાવવાનો ખેલ શરૂ થયો હતો.

આ સમાચારને શેર કરો