skip to content

આજે 10 મે એટલે “જળ સંપત્તિ દિવસ”

વર્તમાન સમયમાં પર્યાવરણ રક્ષાની વાત સૌ કરે છે. જળ,જમીન,જંગલ, જનાવર અને જન રક્ષા અર્થે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. જળની સમસ્યા મોટી સમસ્યા બની રહી છે.  બેંગ્લુરૂ, ચેન્નઈ કે કેપટાઉનની સ્ટોરી, સુકા – ભઠ્ઠ નદી , તળાવો, ડેમો કે કૂવામાં પાણી સિંચવા માટે પડાપડી કરતી મહિલાઓના દ્રશ્યો આપણી સમક્ષ મીડિયા દ્વારા આવ્યા છે તે આપણા આંખ, કાન, જીભ અને મનને થરથરાવી દે છે. મહાનુભાવો કહેવા લાગ્યા છે કે, ત્રીજું વિશ્વયુદ્ધ પાણી મુદ્દે થશે. જેના શરૂઆતના ચિન્હો દેખાઈ રહ્યા છે. એક તરફ વધુ વરસાદ આવવાથી લોકો હેરાન હોય છે જયારે આટલો વરસાદ છતાં પણ પાણીની તંગી વાસ્તવિકતા બની ગઈ છે. તેનું મૂળ કારણ વરસાદી પાણીને સંગ્રહ કરવાની જગ્યાઓ ઉપલબ્ધ નથી તેવું છે. જુના ચેકડેમો રીપેર કરવા, નવા બનાવવા, તળાવો ફરીથી વિકસાવવા, પોતાના ઘરની અગાશી કે આંગણામાં વરસાદી પાણી સ્ટોર થઇ શકે તેવા પ્રયાસો કરવાથી આ તકલીફ થોડી ઓછી થઇ શકે છે, પરંતુ પાણીની તંગી સંપૂર્ણ રીતે ત્યારે ઓછી થશે જયારે આપણે તેનો બગાડ કરવાનો છોડીશું. 

પાણીની જેટલી ઉપલબ્ધતા છે તેમાં પણ જળવાયુ પરિવર્તનની અસરો સમગ્ર વિશ્વમાં દેખાવા લાગી છે. જળ પ્રદૂષણની સમસ્યા ઉગ્ર બનતી જાય છે. ટેકનોલોજીમાં થતા ફેરફારો સાથે પર્યાવરણની કાળજી લેતા માણસ ભૂલી ગયો છે માટે જ આ સમસ્યાઓ મોટી બની છે. રોજીંદા જીવનમાં પાણીને બચાવવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે.           

▶️ ઘરમાં પાણીની ટાંકી અને નળ લીક હોય તો તાત્કાલિક તેની મરામત કરાવી લેવી જોઈએ.

▶️ વોશબેઝીનમાં પાણીનો વિવેકપુર્વક ઉપયોગ કરવો જોઈએ.

▶️ વાસણો ધોવામાં પાણીનો બગાડ ન કરવો જોઈએ. 

▶️ કપડાં ધોવામાં શક્ય હોય તો ડિટરજન્ટ પાઉડર અને વોશિંગ મશીનનો ઉપયોગ કરવો જેથી પાણી ઓછું વપરાય.

▶️ બાગ-બગીચામાં પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ.

▶️ જુદા જુદા ઉપાયો વિચારીને વેસ્ટ થતા પાણીને બચાવી શકાય છે જેમ કે ફિલ્ટરમાંથી નીકળતા પાણીનો ઉપયોગ વપરાયેલા વાસણોમાં પાણી નાખવા, પ્લેટફોર્મ સાફ કરવા માટે થઇ શકે છે.

-મિત્તલ ખેતાણી

આ સમાચારને શેર કરો