Placeholder canvas

વાંકાનેર નગરપાલિકા વહીવટમાં નિષ્ફળ : કારણદર્શક નોટિસ ફટકારી

પ્રમુખે સતાથી બહાર જઈને અનેક કામ કર્યા, ચૂંટાયેલ બોડી પણ તેને બહાલી આપી ગેરકાયદેસર હુકમોમાં સહભાગી બનતા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ આકરા પાણીએ…

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાની ઘરની ધોરાજી માફક ચાલતો વહીવટ આખરે સરકાર સુધી પહોંચ્યું છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે પાલિકાને નોટિસ ફટકારી પ્રમુખ સતા બહારના જે કામો કરતા તે સંદર્ભે જવાબ રજૂ કરવા પણ આદેશ જારી કર્યો છે. જો નોટીસનો યોગ્ય જવાબ નહિ મળે તો પાલિકા વિસર્જિત કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ દ્વારા સતાથી ઉપરવટ જઈને અનેક કામો કરવામાં આવ્યા હોય, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ આકરા પાણીએ છે. વધુમાં પ્રમુખના અણધણ વહીવટને ચૂંટાયેલ બોડી પણ બહાલી આપી ગેરકાયદેસર હુકમોમાં સહભાગી બનતી હતી. વધુમાં કર્મચારીને તાત્કાલિક છુટા કરી દેવા, રજાઓ નામંજૂર કરવી જેવા અનેક ચીફ ઓફિસરને લેવાના થતા નિર્ણયો પ્રમુખે પોતે લીધા હતા. આ ઉપરાંત નાણાકીય હિસાબો પણ વ્યવસ્થિત ન હોય, ભંડોળનો પણ પૂરો ઉપયોગ વિકાસ કામો માટે થયો નથી. આ સહિતના કુલ 14 મુદ્દાઓ નોટિસમાં દર્શાવવામાં આવ્યા છે. આ 14 મુદ્દાઓને ધ્યાને લઈને પાલિકાને વિસર્જિત કેમ ન કરવી તે માટે ખુલાસો કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકા અધિનીયમ 1963 અન્વયે ફરજ બજાવવામાં નિષ્ફળ રહેલ હોય, પાલિકાને કલમ 263(1) હેઠળ કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ જનરલ બોર્ડ સમક્ષ તુર્તજ રજૂ કરીને આ નોટિસ સંદર્ભમાં જે કઈ રજુઆત કે જવાબ હોય તેનો લેખિત ખુલાસો જનલર બોર્ડના ઠરાવ સવડુપે નિયત સમય મર્યાદામાં આપવાનો રહેશે. જો કોઈ ખુલાસો નહિ મળે તો પાલિકાને આ બાબતે કઈ કહેવાનું થતું નથી તેવું માનીને આગળની પાલિકા વિસર્જિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે જણાવ્યું છે.

વાંકાનેર નગરપાલિકામાં ભાજપ બહુમતી સાથે ચૂંટાયો હતો તેમ છતાં પણ ભાજપના આંતરિક વિવાદ અને વિખવાદના કારણે જે તે સમયે ભાજપમાં બળવો થયો હતો અને ભાજપના જ ચૂંટાયેલા સભ્યો ભાજપની સામે બળવો કરીને પ્રમુખ અને ઉપપ્રમુખ પદ ઉપર આવ્યા હતા અને ત્યારથી જ વાંકાનેર નગરપાલિકા મોરબી જિલ્લાની અંદર ચર્ચાનો વિષય બની ગઈ હતી અને રાજકીય રીતે નવાજૂનીના એંધાણ થવાની વાતો છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી હતી દરમિયાન હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવેલ છે

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નગરપાલિકા ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ફરજો બજાવવામાં નિષ્ફળ ગયેલ હોય વાંકાનેર નગરપાલિકાને ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૨૬૩ (૧) હેઠળ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવે છે અને વાંકાનેર નગરપાલિકાના જનરલ બોર્ડ સમક્ષ તુર્તજ આ નોટિસ રજુ કરી વાંકાનેર નગરપાલિકાએ નોટિસ સંદર્ભે જે કાંઈ રજૂઆત કરવાની હોય તેનો લેખિત ખુલાસો જનરલ બોર્ડના ઠરાવ સ્વરૂપે કરવાનો રહેશે.

આ સમાચારને શેર કરો