Placeholder canvas

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાનું સત્તાવાર આગમન

આવતા 48 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝડપી પવન, ગાજવીજ સાથે વરસાદ પડશે : મનોરમા મોહંતી

ગુજરાતમાં ગઇકાલે સવારે પ્રવેશી ગયેલુ ચોમાસુ આગળ વધીને ગઇકાલે સાંજે સૌરાષ્ટ્ર અને દિવમાં પ્રવેશી ગયું છે. તેમ પત્રકારો સાથે વાતચીત દરમ્યાન રાજય હવામાન કચેરીનાં ડાયરેકટર મનોરમા મોહંતીએ જણાવેલ હતું.તેઓએ જણાવેલ હતું કે ગઇકાલે સાંજે દિવ અને સૌરાષ્ટ્રમાં નૈઋત્ય ચોમાસાનો સત્તાવાર પ્રવેશ થઇ ગયો છે.

આગામી 48 કલાક દરમ્યાન ગાજવીજ અને ઝડપી પવન સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ પડશે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં વધુ વરસાદની શકયતાઓ છે. આ ઉપરાંત બનાસકાંઠા-પાટણ જિલ્લામાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહનાં અંતથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પ્રિમોન્સુન એકટીવીટી અંતર્ગત ઠેર ઠેર ગાજવીજ સાથે વરસાદ પડવાની શરૂઆત થઇ હતી અને ઠેર ઠેર આ વરસાદ ચાલુ સપ્તાહમાં પણ ચાલુ રહ્યો હતો.

દરમ્યાન ગઇકાલે સાંજે રાજકોટ શહેરમાં ગાજવીજ સાથે 3 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જયારે રવિવારે મોરબી જીલ્લામા પણ અડધાથી કરીને અઢી ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. આગામી સમયમાં પણ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો