Placeholder canvas

30 એકરમાં 200 કરોડના ખર્ચે નિરાધાર, પથારીવશ માવતરો માટે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનશે.

🌼 સદભાવના ધામનું ભૂમિપૂજન કરાયું.
🌼 સમગ્ર દેશના 2100 પથારીવશ વડીલોને આજીવન આશ્રય,સારવાર નિશુલ્ક મળશે.
🌼 દાતાઓ વરસી પડયાં, 4 કલાકમાં 60 કરોડનાં દાનની ઘોષણા થઇ.
🌼 10 લાખ સ્ક્વેર ફુટનું બાંધકામ

સમગ્ર દેશના નિરાશ્રિત, નિસંતાન,પથારીવશ વડીલો માટે રાહતનાં સમાચાર છે. 30 એકરમાં રુ.200 કરોડના ખર્ચે નિરાધાર, પથારીવશ માવતરો માટે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ રાજકોટમાં બનશે. સમગ્ર દેશના 2100 પથારીવશ વડીલોને આજીવન આશ્રય,સારવાર રાજકોટનાં સદભાવના ધામ માં નિશુલ્ક મળશે. સેવા યજ્ઞની વિશાળ વેદીને આકાર આપતી ઘટનાની ઘડી એટલે ‘સદભાવના વૃદ્ધાશ્રમ’ ના નવનિર્માણની ભૂમિનું પવિત્રીકરણ કરવાનો મંગળ અવસર.

સંતો,ભૂદેવો નાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિ પૂજન કરાયું જેમાં પૂ.મોરારીબાપુ,પૂ.પરમાત્માનંદ સરસ્વતીજી સહીત અન્ય સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત સૌને પ્રતીકાત્મક રીતે ભૂમિપૂજનનો લાભ બેઠક વ્યવસ્થા પર જ અપાયો હતો.

અહી આશરો લેતા વડીલોનું સન્માન જળવાઈ રહે તે માટે સદભાવના વૃદ્ધાશ્રમનાં નવો જ અભિગમ  ‘અમારે માવતર જોઈએ છે ‘ ની અનુમોદના કરતાં પૂ.મોરારિબાપુ એ દોઢ લાખ રૂપિયાનું અનુદાન તુલસી પત્ર તરીકે અર્પણ કર્યું હતું.પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી એ આ ભૂમિપૂજન એ વાસ્તવમાં આઝાદીનાં અમૃત કાળની સેવામય ઉજવણી છે એમ જણાવ્યું હતું. સદભાવના ધામમાં દાતાઓને અનુદાન આપવાની પ્રેરણા આપતાં પૂ.પરમાત્માનંદ સરસ્વતીજીએ ત્યાર બાદના સંચાલનનાં આર્થિક ખર્ચ માટે પણ સત્તત સહયોગ આપવાની સૌને અપીલ કરી હતી.

આ પ્રસંગે રાજકોટ,મુંબઈ,સુરત સહિત નાં અનેક શહેરો,ગામો,દેશ અને દુનિયા માં થી ઉપસ્થિત દાતાઓએ અનુદાનની શ્રી ગંગા મોકળા મને વરસાવી હતી. 200 કરોડનાં સમગ્ર પ્રોજેક્ટ પૈકી ,4 કલાકમાં 60 કરોડનાં દાનની ઘોષણા તો ભૂમિપૂજન સમયે જ થઇ ગઇ છે. વાતાનુકૂલિત સભાગૃહમાં ગરિમાપૂર્ણ રીતે તેમ જ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે રસાળ શૈલીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક સત્વશીલ વૃદ્ધ દંપતી થોડા સમય પહેલા વૃધ્ધાશ્રમની મુલાકાતે આવે છે. જેમાં સેવાવ્રતી વૃદ્ધા પોતાના પતિને કહે છે કે થોડુંક દાન આપજો ત્યાર બાદ ટૂંકાગાળામાં તેમનું અવસાન થઈ ગયુ. પત્નીએ જણાવેલ થોડું દાન એટલે કેટલું? તેના પતિ એ નક્કી ના કરી શકયા અને તેમણે પોતાની ખેતીની જમીન, ચાર દુકાન તેમજ સમગ્ર પૈતૃક અને વારસામાં મળેલી મિલકત વેચી નાખી અને ભેગી કરેલી બચત પણ આપી. આમ એમના તરફથી કુલ રૂ. 2.50 કરોડનું અનુદાન તરફથી અપાયું હતું.

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે.

આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ હાલમાં પણ 550 વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. જેમાંથી 180 વડીલો તો સાવ પથારી વશ છે જેઓ જીંદગીની ટાઢક લઈ રહયાં છે.સાવ પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય, એકલવાયી-નિરાધાર હાલતમાં પોતાનુ જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં) માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આવા પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં)ને પણ સદભાવના વૃધ્ધાશ્રમ પોતાની ફરજનાં ભાગરૂપે નિઃશુલ્ક આશ્રય અપાઈ રહયો છે. યથાશકિત સેવા કરાઈ રહી છે.

સદભાવના ધામ એ  રાજકોટમાં દેશનો મોટો 700 રૂમનો વૃદ્ધાશ્રમ હશે. દરેક માળે અગાશી હશે જેમાં વડીલો વોકિંગ કરી શકશે. પથારીવશ માવતરોની કેર કરવા માટે કેર ટેકરની મોટી ટીમ ચોવીસ કલાક ત્રણ સો પાંસઠ દિવસ ફરજમાં રહેશે. નવ નિર્મિત ભવનમાં દરેક જગ્યાએ, દરેક માળે, વડીલો વ્હીલ ચેરમાં જઈ શકે તેવી સુવિધા હશે. કુલ 7 ટાવર હશે. દરેક ટાવરમાં 100 રૂમ છે. દરેક રૂમમાં હવા -ઉજાશ,ગ્રીનરિ જળવાઈ રહે તેનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. એકસાથે 2100 પથારીવશ બીમાર વૃદ્ધોને આશરો આપી તેની સાર – સંભાળ લઈ સારવાર કરાશે.

સમગ્રપણે 10 લાખ સ્ક્વેર ફુટનું બાંધકામ કરાશે.ત્રણ વર્ષ માં સંપૂર્ણ પરિસર તૈયાર થઈ જશે.દોઢ વર્ષ પછી વડીલોને પ્રવેશ આપવાનું શરૂ થઈ જશે.જૈન વૃદ્ધાશ્રમ પણ સાથે જ બનાવશે જ્યાં જૈન પરંપરાનું પાલન કરાશે.દરેક માળે અગાશી હશે જેમાં વડીલો વોકિંગ કરી શકશે.પથારીવશ માવતરોની કેર કરવા માટે કેર ટેકરની મોટી ટીમ ચોવીસ કલાક ત્રણ સો પાંસઠ દિવસ ફરજમાં રહેશે.નવ નિર્મિત ભવનમાં દરેક જગ્યાએ, દરેક માળે, વડીલો વ્હીલ ચેરમાં જઈ શકે તેવી સુવિધા હશે.  આ પ્રસંગે સંસ્થા નાં યુવા પ્રમુખ સેવક વિજયભાઈ ડોબરીયા એ અત્યંત ટૂંકા ઉદ્બોધનમાં પોતાને આચરણનો દેશી માણસ ગણાવતાં વિનમ્ર ભાવે જણાવ્યું પોતે અને સમગ્ર ટીમ તો માત્ર નિમિત્ત છે. વડીલોનાં પુણ્યબળે જ આ મહાયજ્ઞ સાર્થક થશે. વિજયભાઈએ દાનની અપીલ કરવાને બદલે પોતાની આસપાસમાં કોઈ નિરાધાર, નિઃસહાય પથારીવશ વ્યકિત (કોઈપણ ઉંમરનાં) જોવા મળે તો તેમને સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) સુધી પહોંચાડવા જાહેર વિનંતી કરી હતી,જે ઉલેખ્ખનીય પહેલને મંચ અને સભાગૃહે મોકળા મને વધાવી હતી.સદભાવના ધામ અંગેની માહિતી, ભાવિ ઉદ્દેશો અને આયોજનોની સ્પષ્ટતા સંસ્થાના યુવા પ્રમુખ વિજયભાઈ ડોબરીયાએ લાગણીસભર ભાવે કરી હતી.

ભૂમિપૂજન અવસર પછી ઉપસ્થિત રહેનાર સૌ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરાઇ હતી .

 સદભાવના ધામમાં જૈન સમાજના વડીલો માટે આખો ટાવર જ અલગ,જ્યાં દેરાસર પણ બનશે.જૈન સમાજના વડીલોને જૈન ભોજન,સેવા પૂજા મળી રહે તેને કોઈ મુશ્કેલી ના પડે તે માટે કુલ 7 ટાવર માંથી એક ટાવર માત્ર જૈન સમાજ માટે જ રાખવામાં આવશે. જ્યાં જૈન સમાજના જ વડીલોને આશરો આપવામાં આવશે. આ ઉપરાંત તેમા દેરાસર પણ બનાવવામાં આવશે.

અન્ય પ્રવૃતિઓમાં સદભાવના વૃદ્ધાશ્રમનું ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં 10 જિલ્લાઓમાં 20 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન પણ થઇ રહ્યા છે. આગામી વર્ષોમાં સમગ્ર ગુજરાતમાં 20 કરોડ વૃક્ષો વાવવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે. ગુગલ મેપમાંથી કોઈ વિદેશમાંથી પણ જોવે તો તેને ગુજરાત લીલુછમ (ગ્રીન ગુજરાત) દેખાય એ સદભાવના વૃદ્ધાશ્રમનું સાત્વિક સ્વપ્ન છે.

વાવેલ વૃક્ષોનું 3 વર્ષ સુધી જતન કરવા સંસ્થા પાસે 250 ટ્રેકટર, 250 ટેન્કર વડે વૃક્ષોને નિયમીત રીતે પાણી પીવડાવી 700 લોકોનો પગારદાર સ્ટાફ આ અભિયાન ચલાવી રહી છે. સંસ્થા દ્વારા 100થી વધુ મિયાવાકી જંગલ ઉભા કરાયા છે.

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા બળદ આશ્રમ ચલાવવામાં આવે છે. સંસ્થાએ આ એક અનોખી પ્રવૃત્તિનો આરંભ કરીને, તદ્દન નવો ચીલો ચાતર્યો છે.ગૌવંશનું હિત જોનારી આપણી સંસ્કૃતિમાં ગાયોની માવજત, સારવાર અને સેવા તો સહુ કરે છે. પણ બળદો પ્રત્યે સમાજમાં સંપૂર્ણપણે દુર્લક્ષ્ય સેવાતું જોવા મળ્યું છે ત્યારે સંસ્થા દ્વારા ખાસ નોધારા, અશક્ત અને બીમાર બળદો માટે ‘બળદ આશ્રમ’ બનાવવાની પહેલ કરવામાં આવી છે.સંસ્થાનાં આ નવતર પ્રયાસ થકી અત્યારે 700 જેટલા બળદો સંસ્થાના આશ્રિત છે. જ્યારે સંસ્થાનું લક્ષ્ય 10,000 બળદોને આશરો આપવાનું છે.

ભવિષ્યમાં વૃદ્ધાશ્રમ, પર્યાવરણ , માનવ સેવા, જીવદયા સહિતની સુપ્રવૃતિઓનું સેવાકીય વ્યાપ સમાજની જરૂરિયાત મુજબ વધશે.વર્ષે લાખો લોકો,યાત્રાળુઓ દેશ વિદેશ માંથી મુલાકાત લેશે. ભજન-ભોજન-સેવાનો ત્રિવેણી સંગમ સર્જાશે. સ્વસ્થ, સુદ્રઢ, સેવામાય સમાજનું નિર્માણ કરવામાં સહભાગી બનશે સદભાવના ધામ. સમગ્ર ભારતમાં બીમાર, વયોવૃદ્ધ, અશક્ત, લાચાર, પથારિવશ, અબોલ જીવો કે પછી દર્દીનારાયણ-દરિદ્રનારાયણ ને શાતા પહોંચાડવા સતત પરિણામ લક્ષી કામગીરી કરશે સદભાવના ધામ.જોવા લાયક, જાણવા લાયક, જીવનમાં ઉતારવા લાયક સેવાતીર્થ બનશે સદભાવના ધામ.

નવું પરિસર,સદભાવના ધામ, રાજકોટ જામનગર હાઇ-વે,રામપર,રાજકોટ

સદભાવના વૃદ્ધાશ્રમમાં ઘર ના સદસ્યના જન્મદિવસ તિથિ કે લગનની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ દાન અપી શકાય છે.

સદભાવના વૃદ્ધાશ્રમ, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, પીપળીયા ભવન, ગોંડલ રોડ, રેલવે ફાટક ઓવર બ્રીજ પાસે, રાજકોટ.મો.8000288888

આ સમાચારને શેર કરો