વાંકાનેર: ભોજપર ગામ પાસે આવેલી વાદી વસાહતમાં રહેતા પરમાર પરિવારના જમાઈ ઉપર હુમલો…
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપર ગામ પાસે આવેલી વાદી વસાહતમાં રહેતા પરમાર અને બાંભાણીયા અટકના વાદી પરિવારો વચ્ચે દીકરીની લેતી દેતી મામલે ઝઘડો ચાલી રહ્યો હોય તેવામાં બુધવારે સસરા માટે ચા લેવા જતા પરમાર અટકના જમાઈ ઉપર બાંભાણીયા પરિવારના લોકોએ સામુહિક હુમલો કરી બેભાન થાય ત્યાં સુધી માર મારતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઇકો ચાલક ખોડુનાથ ગોરખનાથ ભાઠી રહે. ભોજપરા વાદી વસાહત નામના યુવાને આરોપી મોડનાથ મીલ્ખાનાથ બાંભાણીયા, કીશનનાથ ઉર્ફે કાળુનાથ બબાનાથ બાંભાણીયા, જોગનાથ કાશનાથ બાંભાણીયા, શાહરૂખનાથ બાકનાથ બાંભાણીયા, શાયરનાથ હજુરનાથ બાંભાણીયા, હજુરનાથ ઢેબનાથ બાંભાણીયા અને ચેતનનાથ મીલ્ખાનાથ બાંભાણીયા રહે બધા વાદી વસાહત ભોજપરાવાળાઓ સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેમની જ્ઞાતિમાં પરમાર અને બાંભાણીયા પરિવાર વચ્ચે દીકરીની લેતી દેતી મામલે ઝગડો ચાલતો હોય તેવામાં તેઓ બુધવારે સસરા માટે ચા લેવા જતા હતા ત્યારે આરોપીઓએ એક્ટિવા પાછળ બોલેરો ભગાવી થાનગઢ રોડ ઉપર આવી હુમલો કર્યો હતો.
વધુમાં ફરિયાદી ખોડુનાથ ગોરખનાથ ભાઠી પરમાર પરિવારના જમાઈ થતા હોય બાંભાણીયા પરિવારના આરોપીઓએ આ બાબતનો ખાર રાખી લોખંડના પાઇપ, સળિયા અને ધોકા સહિતના હથિયાર વડે હુમલો કરતા ખોડુનાથ બેભાન થઇ ગયા બાદ સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ભાનમાં આવ્યા બાદ તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે


