Placeholder canvas

જામનગર:પૂર્વ ભારતીય ટેસ્ટ ક્રિકેટર સલીમ દુરાનીનું 88 વર્ષની વયે નિધન.

જામનગર : સિક્સરના બેતાજ બાદશાહ ગણાતા અને ક્રિકેટ ચાહકોના ડિમાન્ડ પર સિક્સર ફટકારવા માટે જાણીતા લેજેન્ડરી ક્રિકેટર સલીમ દુરાનીનું આજે નિધન થયુ છે. આઘાતજનક સમાચાર સામે આવતાની સાથે જ ભારતીય ક્રિકેટ આલમ શોકના સાગરમાં ડૂબ્યો છે. મહાન ક્રિકેટર સલીમ દુરાનીએ આજે જામનગરમાં પોતાના નિવાસસ્થાન ખાતે આખરી શ્વાસ લીધા છે. મહત્વનું છે કે લાંબા સમયથી તેઓની તબિયત નાદુરસ્ત હતી. બાદમાં જેને પગલે 88 વર્ષની વયે તેઓનું નિધન થયું છે.

જામનગર ખાતે મોરકાંડા રોડ પર આવેલ તેના નિવાસસ્થાને પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીએ આજે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ તેમના ભાઈ જેહાંગીર સાથે રહેતા હતા. તેમણે આજે વહેલી સવારે ત્રણ વાગ્યા આસપાસ તેમણે ફાની દુનિયાને આલવીદા કહ્યું હતું. જે અંગે માહિતી મળતાં સગાસંબંધીઓ અને વિસ્તારવાસીઓ તેમના નિવાસ્થાને દોડી આવ્યા હતા.

નોંધનીય છે કે 3 મહિના આગાઉ સલીમ દુરાની પોતાના ઘરે પડી ગયા હતા. આ દરમિયાન તેઓ ઇનજર્ડ થયા હતા. જોકે સારવાર બાદ તેઓની તબિયત સુધારા તરફ હતી. પરંતુ સંપૂર્ણ સ્વસ્થ થયા ન હતા અને આજે નાદુરસ્ત તબિયતને પગલે તેઓનું નિધન થયું છે. આજે પાંચ વાગ્યે જામનગરના વ્હોરાના હજીરા નજીક આવેલ ઢોલિયા પીરની દરગાહ કબ્રસ્તાન નજીક તેઓની દફનવિધિ કરવામાં આવશે.

સલીમ દુરાની ભારતીય ક્રિકેટના એક સમયના સિકસરના બેતાજ બાદશાહ ગણાતા હતા. ઓલરાઉન્ડર સલીમ દુરાનીનો જન્મ તારીખ 11 ડિસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો અને વર્ષોથી ભારતમાં વસવાટ બાદ હાલ જામનગરમાં રહેતા હતા. તેઓએ લાંબી બીમારી બાદ આજે જામનગરમાં અંતિમ શ્વાસ લીધા છે.પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા સલીમ દુરાની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 170 મેચ રમ્યા છે, આ દરમિયાન તેઓએ 8545 રન બનાવ્યા છે. અને 14 સેન્ચ્યુરી અને 45 હાફ સેન્ચ્યુરીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં કુલ 484 વિકેટ પણ લીધી છે. તેઓ ભારત તરફથી 29 ટેસ્ટ રમ્યા હતા જેમાં તેઓએ 75 વિકેટ લીધી હતી. અને 1973 માં ચરિત્ર ફિલ્મમાં પરવીન બાબી સાથે કામ કર્યુ હતું.

આ સમાચારને શેર કરો