Placeholder canvas

હળવદના સુંદરીભવાની ગામેથી ખનીજ વિભાગની ટીમે 2.40 કરોડની ખનીજ ચોરી ઝડપી પાડી

હળવદ પંથકમાં ખનીજચોરી કરનાર ઈસમો બેફામ બની ગયા છે. ખનીજ માફિયાઓ બેલગામ બન્યા છે ત્યારે આવા તત્વોને કાયદાનું ભાન કરાવવા ખાણ ખનીજ વિભાગની ટીમ મેદાને પડી છે અને સુંદરીભવાની ગામેથી 2.40 કરોડની ખનીજ ચોરી ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી ભૂસ્તરશાસ્ત્રી કચેરીના રોયલ્ટી ઇન્સ્પેકટર રવિ કણસાગરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે સુરેન્દ્રનગરના રહેવાસી કાનજી કાળુભાઈ ગમારાએ મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સુંદરીભવાની ગામે સરકારી જમીનમાં ભૂમાફિયા દ્વારા ગેરકાયદે ખનન કરી સરકારને નુકશાન કરવામાં આવતું હોવાની અરજી કરી હતી. જેથી ભૂસ્તરશાસ્ત્રી મોરબી અને મામલતદાર હળવદ તેમજ ડી.આઈ.એલ. આર કચેરી મોરબી ટીમ દ્વારા 24 માર્ચના રોજ સુંદરીભવાની ગામની સીમ સર્વે નંબર 252 પૈકીવાળી જમીનમાં તપાસ કરવામાં આવી હતી. જે તપાસ દરમીયાન વિસ્તારમાં ફાયર કલે ખનીજનું તાજું તેમજ જુનું ખોદકામ કરી ત્રણ ખાડા જોવા મળ્યા હતા. જે વિસ્તારમાં ભૂસ્તરશાસ્ત્રી કચેરી દ્વારા કોઈ ખનીજની લીઝ કે પરમીટ આપવામાં આવી ના હોય છતાં ખનન કરવામાં આવ્યું હતું.

જેથી બિનઅધિકૃત ખનીજ ખનન કર્યાનું ખુલ્યું હતું અને ભૂસ્તરશાસ્ત્રી કચેરીના સર્વેયર, ડી.આઈ.એલ.આર કચેરીની ટીમ દ્વારા માપણી મુજબ વિસ્તારમાં કુલ 1,06,849.49 મેં.ટન ફયાર કલે ખનીજનું બિન અધિકૃત ખનન/વાહન થયાનું ખુલ્યું હતું. જેથી બિનઅધિકૃત ખનીજ ખનન બદલ આરોપી સગરામ કમાભાઈ ભરવાડ અને જગદીશ સગરામ ભરવાડ તેમજ તપાસમાં ખુલ્લે તે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં રોયલ્ટી ઇન્સ્પેકટરની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધની ખનીજ ચોરી કર્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો