વાંકાનેર: વિનામૂલ્યે મેગા આઇ કેમ્પ, ફીઝીયોથેરાપી હોલ તથા શાળાનું ઉદ્‌ઘાટન કરાયુ…

વાંકાનેર: દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન. આર. દોશી આંખની હોસ્પિટલ, વાંકાનેર ખાતે મેગા આઇ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મેગા આઇ કેમ્પમાં ૧૬ વર્ષ સુધીના બાળકોની આંખના રોગોનું વિનામૂલ્યે નિદાન તથા સારવાર આ સાથે નાના-મોટાં કોઇપણ દર્દીઓ કે જેમની ત્રાંસી આંખ છે તેમનું નિદાન, સારવાર તથા ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવનાર છે. દર્દીઓને તથા તેમની સાથે આવનારને રહેવા-જમવાની સુવિધાઓ તથા ઓપરેશન કરેલ દર્દીઓને દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરો-ગામડાંઓ ના દર્દીઓનું આ કેમ્પ માટે રજીસ્ટે્રશન થયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષ ર૦૦પ થી ત્રાંસી આંખના કેમ્પનું આયોજન કરે છે. જેમાં દર્દીઓને સંપૂર્ણ પણે વિનામૂલ્યે સેવાઓનો લાભ આપવામાં આવે છે.

દર્દીઓને સેવા આપતા આ કેમ્પનું ઉદ્‌ઘાટન તા. ર૭ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું. જેની સાથે સાથે ટ્રસ્ટ સંચાલિત ફીઝિયોથેરાપી વિભાગના નવા હોલનું પણ ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું. ફિઝિયોથેરાપી વિભાગમાં દર્દીઓને રાહતદરે કસરત કરાવવામાં આવે છે. આધુનિક મશીનરી અને સુવિધાઓ સાથે દર્દીઓને સારામાં સારી સારવાર આપી શકાય તેનું ખાસ ધ્યાન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. આ બન્ને કાર્યક્રમોના ઉદ્‌ઘાટક તરીકે લંડનથી વે મેડ પીએલસી ના માલિક ભીખુભાઇ પટેલ તથા વિજયભાઇ પટેલ તેમના પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહયા હતા. તેમની સાથે યુ.કે. થી ટ્રસ્ટના ફાઉન્ડર ડો. ભાનુબેન મહેતા તથા દેવેશભાઇ મહેતા, યુ.કે. થી ઓર્થોપેડીક સર્જન ડો. હરભજનસિંઘ પ્લાહા અને એનેસ્થેટીસ્ટ ડો. નાઇક, અમેરીકાથી એનેસ્થેટીસ્ટ ડો. સનત ગાંધી, મુંબઇથી ડો. શેઠ પણ ખાસ ઉપસ્થિત રહયા હતા. આ સાથે ટ્રસ્ટના પ્રમુખ રાજેશભાઇ કોઠારી, ઉપપ્રમુખ અનંતરાય મહેતા અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ ખાસ ઉપસ્થિત રહયા હતા. દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ આરોગ્યક્ષેત્રની સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ કાર્યરત છે. અત્યાર સુધીમાં ટ્રસ્ટે રપ થી વધુ શાળાઓમાં ફર્નિચર, બોર્ડ વગેરે પ્રાથમિક સુવિધાઓ થી લઇને નવી શાળાઓ બનાવવા સુધીની સેવાઓ કરેલી છે.

આ અવિરત સેવાના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા દિગ્વિજયનગર પ્રાથમિક શાળા (રીયા પ્રાયમરી સ્કૂલ) માં શરૂઆતમાં ત્રણ વર્ગખંડ અને એક ઓફિસ બાંધી આપવામાં આવેલ હતી. શાળાના શિક્ષકોની અથાગ મહેનત દ્વારા આ શાળાની ઉતરોતર પ્રગતિ થતા અને વિદ્યાર્થીઓની સંખ્યા વધતા ટ્રસ્ટ દ્વારા ફરીથી નવા પાંચ વર્ગખંડ અને એક કોમ્પ્યુટર લેબ બાંધી આપવામાં આવ્યા. દેશ-વિદેશના ડોકટર અને પધારેલ દાતાશ્રીઓ દ્વારા આ ભવનનું પણ ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

કેમ્પની સાથે સાથે ડોકટર્સ, ફેલો, પીજીસ, રેસીડેન્ટસ વગેરેને પણ દેશ-વિદેશના ડોકટરોનું અમૂલ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી કેમ્પ દરમ્યાન ટ્રસ્ટની હોસ્પિટલમાં જ સીમ્પોઝિયમ પણ ગોઠવવામાં આવેલ હતું. સીંગાપોરથી ડો. સોનલ ગાંધી, મલેશીયાથી ડો. સ્યુ યેન ગો, નાગપુરથી ડો. વરદા ગોખલે, જામનગરથી ડો. નેહા રાકા મહેતા તથા વડોદરાથી ડો. વેણું મુરલીધરે પોતાના વિષયો થકી માર્ગદર્શન આપ્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડો. જૈમિન મોદી એ કરેલ હતું.

આ સમાચારને શેર કરો