Placeholder canvas

ટંકારા સરપંચની સુપર સીટ પહેલા સુપર હિટ? ભર શિયાળે રાજકીય ગરમાવો…

સવારથી લઈને સાંજ સુધી પંચાયત ખાતે નગરજનોની ભિડ ઉમટી ટંકારા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાયદો અને વ્યવસ્થા જાળવી
ટંકારા ગામ પંચાયતનું બજેટ મંજુર કરવા ત્રિજી વખત મળેલ સામાન્ય સભામાં સરપંચે કુકરી ગાંડી કરી મિટીંગ મુલત્વી રાખી.

ટંકારા ગ્રામ પંચાયતમા સતાની સાંઠમારીમા પંચાયતનુ બજેટ અગાઉ બે વખત ના મંજુર થયા બાદ તંત્ર દ્વારા નિયમોનુસાર સોમવારે ત્રીજી બેઠક બોલાવી હતી. જેમા, બંને પક્ષે ચાલતા રાજકીય ડ્રામા વચ્ચે સરપંચે અગાઉ પોતે સસ્પેન્ડ કરેલા મહિલા સભ્ય સામે વાંધો ઉઠાવતા બંને પક્ષે ગજગ્રાહ ઉગ્ર થતા તલાટી મંત્રી એ સામાન્ય સભા મુલત્વી રાખી ઉચ્ચ કક્ષાએ આ મામલે રીપોર્ટ કરતા ફરી નવી તારીખ નક્કી થશે. હાલ ટોક ઓફ ધ ટાઉન બનેલા પંચાયતીરાજ ના સખળડખળે પંથકમા ભારે ચર્ચા જગાવી છે.

ટંકારા તાલુકાની સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયતમા બે જુથ વચ્ચે વર્ચસ્વ ની લડાઈ ચાલી રહી છે. એ વખતે જ ૨૨ મી ડીસેમ્બરે ગ્રામ પંચાયતનુ બજેટ મંજુર કરવા નિયમ મુજબ સામાન્ય સભા મળી હતી. જેમા, વિરોધી જુથે ખરા ટાંકણે બજેટ નામંજુર કરી હથોડો ઠોકી દેતા સરપંચ જુથ રીતસર સંખ્યાબળના અભાવે બચાવની સ્થિતિમા આવી ગયા બાદ વાદ વકર્યો હતો.બીજી બેઠકમા પણ સરપંચ બજેટ મંજુર કરાવવામા નિષ્ફળ જતા પંચાયત ધારાની જોગવાઈ પ્રમાણે સરકારી તંત્રે તલાટીને સુચના આપતા મંત્રીએ ત્રીજી વખત તક આપવા ફરી તા. ૨૯ મી એ સોમવારે સવારે સામાન્ય સભા બોલાવી હતી. પરંતુ આ બેઠકમા મહાત થવા ના એંધાણ પણ પામી ગયેલા સરપંચે બેઠક મા ચર્ચા થાય એ પૂર્વે કુકરી ગાંડી કરી અધ્યક્ષ સ્થાને થી પોતાના હોદ્દાની રૂએ સસ્પેન્ડ કરેલા મહિલા સભ્ય મિતલબેન દંતેસરીયા અગાઉ બે બેઠક મા ઉપસ્થિત ન હોય આજે પણ ઉપસ્થિત રહી શકે નહીં તેઓ સસ્પેન્ડ હોય બેઠક માથી તગેડી મુકવા માંગણી કરતા બંને પક્ષે આક્ષેપ પ્રતિઆક્ષેપ સાથે વાતાવરણ ઉગ્ર થતા તલાટી મંત્રી દિલીપ પાલરીયાએ મામલો બિચકે એ પૂર્વે સભા મુલત્વી રાખી ઉચ્ચ કક્ષાએ રીપોર્ટ કરી માર્ગદર્શન માંગતા હાલ અધિકારી દ્વારા નવી તારીખ અપાયે બેઠક મળશે. જોકે, સ્થાનિક પંચાયતના સતાની સાંઠમારીના વાદ વિગ્રહનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ભારે ચર્ચા જાગી છે.

આ સમાચારને શેર કરો