Placeholder canvas

B.A.માં 2 અને M.A.માં 3 ગોલ્ડ મેડલ મેળવનારી મારી પી.એચ.ડી.ની વિદ્યાર્થીની સાજમીન… મારું ગૌરવ,મારું સ્વાભિમાન. -ડો.સુનીલ જાદવ

વાંકાનેર: 8મી માર્ચ એટલે મહિલા દિવસ આ મહિલા દિવસ નિમિત્તે ડૉ. સુનીલ જાદવે પોતાના fb વોલ પર એક સરસ મજાની પોસ્ટ કરી હતી, તે વાંચીને મને એવું લાગ્યું કે આ પોસ્ટ વધુમાં વધુ શેર થવી જોઈએ જેથી મેં મારા fb પરથી તેમને શેર કરી આમ છતાં પણ મને સંતોષ ન થતા તેમને કપ્તાની વેબસાઈટ પર ડૉ. સુનિલ જાદવના સાભાર સાથે અપલોડ કરું છું. -અયુબ માથકીઆ

▶️એ બુરખો પહેરે છે પણ તેના સારાય અસ્તિત્વમાં વિચારોની મુક્તતા અને ઉમદાનું અનુસરણ કરવાની આધુનિકતા છે.
▶️તે ચહેરા પર નકાબ રાખે છે પણ લંબચોરસ ચશ્મા ધારણ કરેલી પોતાની પ્રમાણમાં થોડી મોટી આંખોથી કોઈપણની સાથે બિન્દાસ્ત અને બેધડક વાત કરે છે.
▶️તેના આખાય અસ્તિત્વમાંથી ભરપૂર આત્મવિશ્વાસ છલકે છે, તો તેના ધીમા છતાં મક્કમ ડગલાં ઉતરોત્તર પ્રગતિના પગથિયાં સર કરી રહ્યા છે.
▶️પરંપરાને પ્રેમ કરનારી તે આધુનિકતાનો આવિષ્કાર પણ એટલા જ ઉત્સાહથી કરે છે.
▶️ધીમું અને મીઠું બોલનારી સાજમીન કોઈ પણ ચર્ચા વખતે પોતાનો પક્ષ મજબૂતાઈથી અને મક્કમતાથી રાખી શકે છે.
▶️એ કવિતા પણ સર્જે છે અને લઘુકથા પણ લખે છે.
▶️હા, સાજમીન પાસેથી મને ઘણી આશા-અપેક્ષા છે…

કારણ કે આવા હોંશિયાર અને હોનહાર વિદ્યાર્થીઓ બહુ ઓછા શિક્ષકો કે અધ્યાપકોને મળતા હોય છે.

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મારા મનમાં બે-ત્રણ પાત્રો રમતાં હતાં. તેમાંથી સાજમીન બળકટ રીતે ઊભરી આવી છે. તેથી આજે એની વાત કરવી છે.

સાજમીન વિશે વાત કરતા પહેલાં હું જોસેફ મેકવાનને યાદ કરું છું.

ગુજરાતી દલિત સાહિત્યના દાદા એવા જોસેફ મેકવાનનો અમૃત મહોત્સવ ગુજરાતી સાહિત્ય પરિષદના ઓડિટોરીયમમાં ચાલતો હતો. રઘુવીર ચૌધરી સહિતના અનેક ધુરંધર સાહિત્યકારો ત્યાં ઉપસ્થિત હતા. હું કાર્યક્રમનું સંચાલન કરતો હતો. રઘુવીરભાઈએ જોસેફ મેકવાનના ગદ્ય વિશે વિગતે વાત કરી મને કહેલું કે, ‘સુનીલ, જોસેફભાઈના ગદ્ય વિશે કોઈ યોગ્ય વિદ્યાર્થી પાસે એમ.ફિલ. કે પીએચ.ડી.નું કામ કરાવવા જેવું છે.’ આ વાત મારા મગજમાં હતી જ. ત્યાં મને સાજમીન મળી. અને એ કામ તે મારા માર્ગદર્શન હેઠળ ઉત્તમ રીતે કરી રહી છે.

હવે સાજમીન અને સાજમીનની સિધ્ધિઓ વિશે વાત કરું.

આખું નામ સાજમીનબાનુ ઈસ્માઈલભાઈ બાદી. મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ટોળ ગામે તારીખ 23 નવેમ્બર, 1999 નાં રોજ ખેડૂત કુટુંબમાં પ્રથમ સંતાન તરીકે સાજમીન જન્મી. નાના-મોટા સૌ પરીવારજનો, ખાસ કરીને પિતાએ દીકરીને ખૂબ હરખથી પોંખેલ, આવકારેલી. સાજમીન નામ પણ એમણે જ પસંદ કર્યું, જેનો અર્થ થાય છે ‘સ્મિત ‘.

સાજમીનનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગામની સરકારી અને પ્રાઈવેટ શાળામાં થયું. પ્રથમથી જ અભ્યાસમાં હંમેશા ટોપર રહેનાર દીકરીને ભણવામાં ગ્રેજ્યુએટ બાપે ખૂબ મદદ કરી. રોજ લેશન કરાવવાથી માંડીને શાળામાં થયેલ શૈક્ષણિક તેમજ અન્ય પ્રવૃત્તિઓ વિશે પૂછતાં અને વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા હંમેશા પ્રોત્સાહન આપતા. . 11-12 સાયન્સમાં સ્કૂલનો સમય સવારે 8 થી સાંજે 8 વાગ્યાં સુધીનો હોઈ પિતા બે વર્ષ સુધી વાડીએથી દીકરીને સ્કૂલે લેવા-મૂકવાની ફરજ અચૂક બજાવતા.

માતાએ પણ ઘરનું કામ એકલા હાથે કરી દીકરીને કોઈ ઘરકામની જવાબદારી સોંપ્યા વગર વાંચનની અમૂલ્ય તક આપી. જેથી સાજમીને પણ ભણવામાં પૂરતું ધ્યાન આપી હંમેશા પ્રથમ નંબર મેળવ્યો.

બાર સાયન્સ પછી પિતાની અપેક્ષા મુજબ સાજમીનને આયુર્વેદમાં પ્રવેશ મળ્યો, પણ એ તો સાહિત્યનો જીવ હતી. આયુર્વેદના ઓસડિયાં તેના દુબળા દેહને અને સાહિત્યપ્રેમી મનને માફક ન આવ્યાં ને તે ડિપ્રેશનમાં આવી ગઈ. દીર્ઘદ્રષ્ટા પિતાએ સાવચેતી વાપરી દીકરીને આયુર્વેદનો અભ્યાસ છોડાવી દીધો અને વાંકાનેરની એચ.એન.દોશી આર્ટ્સ કોલેજમાં એફ.વાય.બી.એ.માં એડમિશન લેવડાવ્યું. મનગમતો ગુજરાતી મુખ્ય વિષય હતો પછી શું જોઈએ..!

સાજમીને બી.એ.માં કોલેજમાં તો પ્રથમ નંબર મેળવ્યો જ. સાથે સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં સૌપ્રથમ વાર બે ગોલ્ડ પણ મેળવ્યા.

સાજમીનની અભ્યાસપ્રીતિ અને સાહિત્યપ્રીતિ જોઈ કોલેજના પ્રિન્સિપાલ ચુડાસમાસરે તેને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એમ.એ.નો અભ્યાસ કરવા સૂચવ્યું. ઘરેથી પણ બધાંનો ઉત્સાહ હોઈ સાજમીન વડોદરા જવા તૈયાર થઈ.

આચાર્ય તેમજ બીજા પ્રોફેસરોએ કીધેલું કે આપણી કૉલેજનું નામ ત્યાં પણ રોશન કરજે. એ વાક્યો સાંભળી સાજમીને મનોમન નક્કી કર્યું કે હવે તો માસ્ટરમાં પણ ગોલ્ડ મેડલ લઈને જ ઝંપીશ.

વડોદરામાં એક અલગ જ વાતાવરણ હતું. ઉપરાંત એ યુનિવર્સિટીની ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીની અને ગુજરાત વિદ્યાપીઠના ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થી વચ્ચે ટકી રહેવા મહેનત તો કરવી પડી. પ્રથમ સેમેસ્ટરથી માંડી અંત સુધી હિમ્મત હાર્યા વિના મહેનત જાળવી રાખી અને કઠોર પરિશ્રમને અંતે એમ.એ.માં પણ સાજમીને ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા.

ઉપરાંત GSET અને NET જેવી પરીક્ષા પણ પાસ કરી. તેની સાથોસાથ ત્યાંના ગુજરાતી વિષયના વિદ્વાન અધ્યાપકો અને સાહિત્યકારોનો જ્ઞાનનો લાભ પણ મેળવ્યો .

સાજમીનને નાનપણથી જ ગુજરાતી વિષય સાથે ગાઢ નાતો રહ્યો છે. 10માં ધોરણમાં પણ તેણે 94 માર્કસ મેળવી રેકૉર્ડ સર્જેલો.! નાનપણથી તેના એક અંકલ મુસ્તાક બાદી ક્લાસ વન ઑફિસર હોઈ એમને જોઈ સરકારી નોકરી કરવાની ઉત્સુકતા તો હતી જ, સાથે સાથે ગુજરાતી વિષય પ્રત્યેની લાગણી અને પરિવારજનોનો સતત મળેલ સાથ સહકાર તેમજ ઉત્તમ પ્રોફેસર મળ્યાથી સાજમીન આજે પીએચ.ડી. સુધી પહોંચી ચૂકી છે.

મને પૂરી શ્રધ્ધા છે કે સાજમીન પીએચ.ડી. પુરું કરીને GPSC ક્લિયર કરશે અને કોઈ સરકારી કોલેજમાં ગુજરાતીના અધ્યાપિકા તરીકે પોતાની ઉજ્જ્વળ કારકિર્દી બનાવી ઉતરોત્તર પ્રગતિ કરીને પોતાના માતાપિતાનું અને ગુરુજનોનું નામ રોશન કરશે.

હું માનું છું કે એક વિદ્યાર્થી જેમ આદર્શ અને જ્ઞાની પ્રોફેસરની શોધમાં હોય છે તેમ એક પ્રોફેસર પણ પોતાના કાર્યકાળ દરમિયાન આદર્શ, જ્ઞાનભૂખ્યા, મહેનતું અને ઊર્જાવાન વિદ્યાર્થીની શોધમાં રહેતા હોય છે. મને સાજમીન મળી છે તેમ દરેક શિક્ષક અને અધ્યાપકને ઉત્તમ વિદ્યાર્થીઓ પ્રાપ્ત થાઓ.

  • ડો.સુનીલ જાદવ
આ સમાચારને શેર કરો