આજે રાજકોટ અને ભાવનગરમાં કોરોનાના 1-1 દર્દીનું મોત
ઓગષ્ટ માસ બાદ સૌરાષ્ટ્રમાં ફરી મોત નોંધાયા: જામનગર જિલ્લામાં 11 પોઝીટીવ કેસ નોંધાતા ફફડાટ
રાજકોટ: સૌરાષ્ટ્રમાં ઓમિક્રોન વધવાની દહેશત સાથે કોરોના સંક્રમણનાં કેસોમાં વધારા સાથે ફરી કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ સાથે રસીકરણની ઝુંબેશને વેગવંતી બનાવી છે. છેલ્લા ર4 કલાક દરમ્યાન સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ભાવનગરમાં 1-1 દર્દીનું મોત નોંધાયુ છે. જયારે જામનગર 11 અને રાજકોટ જિલ્લામાં વધુ 3 પોઝીટીવ કેસ નોંધાયા છે. ગત ઓગષ્ટ માસ બાદ ફરી કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નોંધાતા ફરી કોરોનાની લોકોમાં ચિંતા વધી છે.
રાજકોટ
રાજકોટ શહેરમાં ઓગષ્ટ મહિના પછી લાંબા સમય બાદ કોવિડ મોત નોંધાયું છે. મનપાના આરોગ્ય વિભાગે આ જાણકારી આપી છે. બીજી તરફ ગઈકાલે જિલ્લામાં 3 નવા કેસ સામે આવ્યા છે. રાજકોટ મનપના આરોગ્ય અધિકારી ડો.લલિત વાંજાના જણાવ્યા મુજબ ગઈકાલે સારવાર દરમ્યાન નાના મવા રોડ પરની ખાનગી હોસ્પિટલમાં દાખલ મોરબી રોડ પર રહેતા 75 વર્ષીય કોરોના સંક્રમિત વૃધ્ધે દમ તોડયો છે. મૃતકે વેકસીનના બંને ડોઝ લીધા હતા, 20 નવેમ્બરે વૃદ્ધને લક્ષણ જણાતા 21 નવેમ્બરે ટેસ્ટ કરાયો હતો, જે 22 નવેમ્બરે પોઝીટીવ રિપોર્ટ આવતા ત્યારથી વૃદ્ધ સારવાર હેઠળ હતા. તે કોમોર્બીડિટી પેશન્ટ હતા, તેમને ડાયાબીટીસની બીમારી હતી. મૃતકે વેક્સિનના બન્ને ડોઝ લીધા હતા.
ગઈકાલે રાજકોટ શહેરમાં વોર્ડ નં.10માં હનુમાન મઢીની બાજુમાં રહેતા 46 વર્ષીય પુરૂષ અને જયપુરથી પરત આવેલા વોર્ડ નં.8માં અમીન માર્ગના બંસી પાર્કમાં રહેતી 28 વર્ષીય યુવતિનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બંને દર્દીએ વેકસીનના બંને ડોઝ લીધા છે. હાલ બન્નેને હોમ આઇસોલેટ કરાયા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરવા તજવીજ કરાઈ છે. હાલ શહેરમાં 12 દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે એક દર્દીએ કોરોનાને મ્હાત પણ આપી હતી.આ તરફ ગ્રામ્ય વિસ્તારની માહિતી આપતા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. નિલેશ રાઠોડે જણાવ્યું કે, ધોરાજી તાલુકાના કલાણા ગામે 67 વર્ષીય વૃધ્ધ સંક્રમિત થયા છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં એક્ટિવ કેસની સંખ્યા 8 થઈ છે, તેમાંથી 6 દર્દી હોમ આઇસોલેટ જ્યારે 2 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 14940 થઈ છે.
ભાવનગર
ભાવનગરના ગારિયાધારના 64 વર્ષના કોરોના સંક્રમિત પુરુષનું સારવાર દરમિયાન મોત નીપજતા ભાવનગર જિલ્લાનો કોરોના થી કુલ મૃત્યુઆંક વધી 299 થવા પામ્યો છે. ભાવનગર માં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લાના ગારીયાધાર માં 64 વર્ષના કોરોનાથી સંક્રમિત થયેલા પુરુષનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. મૃત્યુ પામનાર દર્દીએ વેકસીન નો પહેલો ડોઝ લીધો હતો અને બીજા ડોઝની તારીખ આવી ન હતી ત્યાં કોરોના સંક્રમિત થયો હતો થયા હતા. અને આજે મોત નીપજ્યું હતું. ભાવનગરમાં કોરોના ના ત્રણ દર્દીઓ ડિસ્ચાર્જ થતા અને એક દર્દીનું મોત નિપજતા ભાવનગરમાં કોરોના એક્ટીવ દર્દીની સંખ્યા 30 થઈ છે.
જો આપ ન્યુઝ, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….
કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો…
ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…