કોરોનાની નેગેટીવ અસરનો ભાજપને ભય : પંચાયત-પાલિકા ચૂંટણી પાછી ઠેલવાશે?
ગુજરાતમાં જેમ જેમ કોરોનાની સ્થિતિ લંબાતી જાય છે તેમ તેમ ભાજપ સરકારની રાજકીય ચિંતા પણ સતત વધી રહી છે અને સરકાર દ્વારા ખાસ કરીને લોકડાઉન ખૂલવામાં ઉતાવળ કરવા સામે નિષ્ણાંતો લાલબત્તી ધરી રહ્યા છે તો પક્ષના નેતાઓ કોઇપણ ભોગે હવે લોકડાઉનમાં રાહત આપવી જોઇએ તેવી સલાહ સરકારને આપી રહ્યા છે.
ખાસ કરીને વર્ષના અંતમાં પંચાયત અને પાલિકાઓની ચૂંટણી આવી રહી છે. જો કે સરકાર હાલની સ્થિતિમાં આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત પૂરી થયા બાદ ત્યાં વહીવટદાર શાસન લાદવાની વિચારણા કરી રહ્યું છે. જેના કારણે ગાંધીનગરથી સીધો કંટ્રોલ આવી શકે પરંતુ તે તમામ કોરોના કેવી અસર કરે છે તેના ઉપર છે. રાજ્યમાં 6 મહાપાલિકાઓ, 150 મ્યુનિસિપાલીટી અને તમામ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ ઓક્ટોબરથી ડીસેમ્બર વચ્ચે યોજવાની ડેડલાઈન છે પરંતુ માનવામાં આવે છે ભાજપ મોવડી મંડળે હાલ એ બાજુ ન જોવા અને વહીવટી તંત્ર મારફત શાસન ચાલશે તેવો વ્યૂહ નક્કી કરી લીધો છે.
વાસ્તવમાં 2019ની લોકસભા ચૂંટણી પ્રચંડ બહુમતીએ જીત્યા બાદ ભાજપને રાજ્યકક્ષાએ તેવી સફળતા મળી નથી અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પક્ષપલ્ટાનો સહારો લઇને સત્તા મેળવી છે અને ત્યાં જ કોરોના આવી જતા ભાજપનું તમામ રાજકીય ગણીત હાલ વેરવિખેર થઇ ગયું છે. પક્ષ તેના સંગઠનની ચૂંટણીઓ પણ કરી શક્યું નથી.
વર્તમાન સંગઠન ચૂંટણીની દ્રષ્ટિએ તદ્દન ફલોપ નીવડ્યું છે. પક્ષે ધારાસભા પેટાચૂંટણીઓ પણ 50 ટકા ગુમાવી છે અને હજુ રાજ્યસભા જીતવા માટે જેઓના રાજીનામા લીધા છે તેવા કોંગ્રેસના ધારાસભ્યો હાલ તો નહીં ઘરના નહીં ઘાટના તેવી સ્થિતિમાં છે. અને તેમને ભય છે કે જો લાંબો સમય આવી સ્થિતિ રહેશે તો ભાજપ તેમને કીક મારવામાં કોઇ સમય નહીં બગાડે. અગાઉ જેઓએ પક્ષપલ્ટો કર્યો તેમાં કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડા જેવા રાતોરાત મંંત્રી બની ગયા પણ બધાના નસીબમાં તેવું નહોતું. આથી રાજીનામા આપીને પણ તેઓ હવે પસ્તાઈ રહ્યા છે.
બીજી તરફ ભાજપમાં અનેક ધારાસભ્યો છે કે જેઓ 2017થી મંત્રી બનવાની મધલાળ મમળાવી રહ્યા છે. પરંતુ તેમનો ચાન્સ લાગ્યો નથી. ખુદ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ અનેક વખત પોતાની અકળામણ છતી કરી ગયા છે. સંગઠનમાં રહેલાં લોકો અગાઉ પ્રવાસ કરતા ન હતા અને હવે લોકડાઉનનું બહાનું આગળ ધરી રહ્યા છે. ભૂતકાળમાં કુદરતી આફતો સામે ભાજપના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે પહોંચી ગયા હતા પરંતુ હવે પક્ષના નેતાઓ અને કાર્યકરો ઘર પકડીને બેસી ગયા છે કારણ કે તેઓને એક બ્રહ્મજ્ઞાન થઇ ગયું છે કે જેઓ ઉપર અમીદ્રષ્ટિ હશે તેને જ ચાન્સ મળવાનો છે.
હાલમાં જ મળેલા સંકેત મુજબ લોકડાઉન પછીનો પીરીયડ ભાજપ માટે મોટો પડકાર હશે. વેપાર-ધંધાને જે રીતે મોટુ નુકસાન થઇ રહ્યું છે અને સરકાર કોરોનાને અંકુશમાં લાવવાના બહાના હેઠળ જે રીતે લોકડાઉન વધારી રહી છે તેને કારણે ભાજપનો કમીટેડ ગણાતો વેપારીવર્ગ પણ નારાજ છે. વેપાર-ઉદ્યોગ કામદારોની હીજરતને કારણે આ વર્ષે તો વ્યવસ્થિત ચાલે તેવી શક્યતા નહીંવત છે. ઉપરાંત ચોમાસુ માથે છે. ત્રણ મહિનાનું ફરી એક વેકેશન આવી જશે અને તેથી ભાજપ ચૂંટણીમાં જવાને બદલે વહીવટદારથી શાસન કરે તેવી શક્યતા વધું છે. એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.