બે બાઇકનું અકસ્માત થતા બન્ને ફૂટબોલની માફક ફંગોળાયા, બંનેની હાલત ગંભીર.
જામનગરના તીનબત્તી વિસ્તારમાં બુધવારે રાત્રે બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં બંને બાઈકસવારોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક બાઈકનો ચાલક રોડની જમણી બાજુ વળી રહ્યો હતો ત્યારે જ પાછળથી પૂરપાટ ઝડપે આવેલા અન્ય બાઈકચાલકે જોરદાર ટક્કર મારતાં બંને પટકાયા હતા. અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક બાઈકસવાર રોડની જમણી બાજુ વળવા માટે પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ પાછળથી પૂરપાટ ઝડપે આવેલા અન્ય બાઈકચાલકે જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો જોરદાર હતો કે બંને બાઈકસવાર જમીન પર પટકાયા હતા. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિકજામ થયો હતો અને લોકો પણ એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક 108ને જાણ કરતાં બંને યુવકને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો ઘટનાને પગલે પોલીસ પણ પહોંચી હતી અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.