Placeholder canvas

મોરબીમાં જ્વેલર્સની શોપમાં બે મહિલાએ આંખના પલકારામાં 2.50 લાખના દાગીનાની ચોરી

મોરબી શહેરની સોનીબજારમાં જવેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાએ વેપારીની નજર ચૂકવી અઢી લાખની કિંમતની સોનાની 10 જોડી બૂટીની ચોરી કરી નાસી ગઈ હતી. આ મહિલાઓએ આંખના પલકારામાં જ સોનાની બૂટીઓથી ભરેલું આખું બોક્સ ઉઠાવી લીધું હતું. બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી CCTVના આધારે વધુ તપાસ ચલાવી છે.

મોરબીના રવાપર ઘુનડા રોડ પર શ્રીજી હાઈટ્સના બ્લોક નં.103માં રહેતા હાર્દિક ધીરેન્દ્રભાઈ રવેશિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 15ના રોજ તેઓ અને તેના કાકા અલ્કેશ રવેશિયા સોનીબજારમાં આવેલી અંબાજી જવેલર્સ નામની દુકાને હતા. ત્યારે બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ બે મહિલા ગ્રાહક તરીકે આવી હતી અને કાનની બૂટી લેવાનું કહેતાં કાકાએ મહિલાઓને સોનાની બૂટી વારાફરતી બતાવી હતી. બૂટી જોઇને બાદમાં જતી રહી હતી. આ મહિલાઓએ દુકાનમાંથી કોઈ ખરીદી કરી ના હતી. મહિલાઓના ગયા બાદ હાર્દિક અને તેના કાકાએ જોતાં ટેબલ નજીક રાખેલું સોનાની બૂટીનું બોક્સ જોવા મળ્યું નહોતું. એ બોક્સમાં 10 જોડી બૂટી હતી, જેનું વજન આશરે 44.960 ગ્રામ હતું. એની કિંમત રૂપિયા 2,50,000 છે.

સોનાની બૂટીઓથી ભરેલું બોક્સ જોવા ન મળતાં વેપારીએ દુકાનમાં લગાવેલા CCTV કેમેરાની ચકાસણી કરી હતી, જેમાં બે મહિલાઓ વેપારીની નજર ચૂકવીને સોનાની બૂટી ભરેલું બોક્સ ધીમેથી તેની બેગમાં સરકાવી રહી હોય એ સાફ દેખાઈ આવ્યું હતું. ત્યાર બાદ વેપારીઓએ સોનીબજારમાં મહિલાઓને શોધવા માટે નીકળ્યા હતા, પરંતુ તેઓ મળી નહિ.

મોરબી સિટી એ ડિવીઝન પોલીસે બે અજાણી મહિલા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે તેમજ દુકાનમાં લગાવેલા CCTV કેમેરાને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો