Placeholder canvas

કેજરીવાલના ફોટો સાથે “હું હિંદુ ધર્મને પાગલપન માનું છું” તેવા બેનર લાગ્યા

દિલ્હીની AAP સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મપરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપ દ્વારા તેમનાં આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે ગઈકાલે રાજકોટમાં મંત્રી અરવિંદ રૈયાણીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી આ ઘટનાને નિંદનીય ગણાવી હતી. ત્યારે આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ચૂંટણી પહેલાં પોસ્ટર વોર શરૂ થયું હોય એવાં દૃશ્યો સામે આવ્યાં છે. ‘હું ઈશ્વરને માનીશ નહીં’ તેવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનર લગાવવામાં આવ્યાં છે. જોકે આ બેનર કોણે લગાવ્યાં એ અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પણ ચૂંટણી સમયે આ પ્રકારનાં બેનર લાગતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે, જોકે રાજકોટમાં AAPના કાર્યકર્તાઓ દ્વારા આ બેનર હટાવવામાં આવ્યાં હતાં.

અમદાવાદ, સુરત અને રાજકોટમાં લાગેલાં બેનરમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુસ્લિમ પોશાક અને ટોપી સાથેની તસવીર બેનરમાં લગાવવામાં આવી છે, જેમાં ‘હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઈશ્વર માનીશ નહિ, આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર’ એવું બેનરમાં લખવામાં આવ્યું છે. આમ, ગુજરાતમાં એક તરફ આપના જોરશોરના ચૂંટણી પ્રચાર વચ્ચે બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે.

આ સમાચારને શેર કરો