Placeholder canvas

બરવાળા લઠ્ઠાકાંડમાં AAP એક્ટિવ, કોંગ્રેસ જાગી પણ મોડી મોડી, ભાજપનું મૌનવ્રત

લઠ્ઠાકાંડમાં મંત્રીઓ મોં છુપાવે છે, અધિકારીને આગળ ધરે છે.
સોશિયલ મીડિયામાં અતિ ઉત્સાહી ભાજપના નેતાઓની લઠ્ઠાકાંડ વિશે એકપણ પોસ્ટ નહિ !!!
ભાજપના ટ્વીટરીયા આગેવાન કઈ ગુફામાં બંધ થઈ ગયા છે ? બધાએ ટ્વીટ એકાઉન્ટ ડિલીટ કરી દીધા કે શું !!! – લોકચર્ચા

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બરવાળા તાલુકાના નાનકડા ગામમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ સરકાર સફાળી જાગી તો ગઈ, પણ મંત્રીઓ કે રાજકીય નેતાઓ મોઢા સંતાડીને પોલીસ અધિકારીઓને આગળ ધરી રહ્યા છે. સામાન્ય રીતે ગુજરાત બહારના ભાજપ શાસન સિવાયના કોઈ રાજ્ય કે શહેરમાં આવી કોઈ ઘટના બને તો ટ્વીટ કરવામાં ઉત્સાહી ભાજપના મંત્રીઓ-નેતાઓ આ મામલે 24 કલાકથી સોશિયલ મીડિયાથી અલિપ્ત થઈ ગયા છે.

તો બીજી તરફ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે, કેજરીવાલે સૌથી પહેલા ટ્વીટ કરી સવાલો ઉઠાવ્યા છે. જ્યારે કોંગ્રેસ મોડી જાગી છે અને ટોચના નેતાઓએ બરવાળાની મુલાકાત લીધી હતી.

બરવાળા તાલુકાના રોજીદ ગામમાં થયેલ લઠ્ઠાકાંડ બાદ સરકાર આળસ મરડીને સફાળી જાગી છે. તાત્કાલિક અસરથી સરકારી રાહે સીટ બનાવી તપાસ ચાલુ કરી દીધી છે. બુટલેગરોની ધરપકડ કરીને સંતોષ માનવાના પ્રયાસો આદર્યા છે. એટલું જ નહીં, ઉત્સાહમાં આવી ગયેલી સરકારે સૌ પેહલા ગૃહ રાજ્ય મંત્રી ની પત્રકાર પરિષદ ગોઠવી દીધી, પછી થોડીક જ વારમાં ગૃહ રાજ્ય મંત્રીની પત્રકાર પરિષદ રદ કરી પોલીસ વડાની પ્રેસ કોન્ફરન્સ ગોઠવી દીધી હતી, તે જોતા એવું લાગે છે કે, લઠ્ઠાકાંડ જેવી ઘટના પછી રાજકીય નેતાઓ અને મંત્રીઓ જનતા અને મીડિયાથી દુર ભાગી રહ્યા છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ સર્જાયેલા લઠ્ઠાકાંડમાં સામાન્ય જનતા માની રહી છે કે, આટલી મોટી ગંભીર ઘટના અને સરકારની ચૂક હોવા છતાં પણ બે ચાર પોલીસને સસ્પેન્ડ કરી, 10-15 બુટલેગરોની ધરપકડ કરી, મૃતકોના સગાઓને સહાય ચૂકવી મામલો પૂરો કરી દેશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાત સરકારની ચૂકના કારણે લઠ્ઠાકાંડ જેવી ઘટના સર્જાતા ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ પણ આ બાબતે ગંભીર નોંધ લીધી છે અને ગુજરાત સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવી શકે છે. ખાસ કરીને વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને ગુજરાતમાં કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ એકદમ એક્ટિવ થઈ ગઈ છે, એટલું જ નહીં ગઈકાલે લઠ્ઠાકાંડની ઘટના બની તે જ સમયે આપના સર્વેસર્વા કેજરીવાલ પણ ગુજરાતમાં હતા અને સૌથી પહેલા કેજરીવાલે જ ટ્વીટ કરી સરકાર સામે સવાલો ઉઠાવતા ભાજપ સરકાર ભીંસમાં આવી ગઈ છે.

બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…
નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો.
https://www.facebook.com/kaptaannews
આ સમાચારને શેર કરો