Placeholder canvas

બરવાડા લઠ્ઠાકાંડથી ભાજપ ભીંસમાં : વિપક્ષી નેતાઓના ધાડા ઉતર્યા

  • શરાબબંધી માત્ર કાગળ પર! ધંધુકા-બરવાળાની ઘટનાના તીવ્ર રાજકીય પ્રત્યાઘાતો-પ્રહારો
  • પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર-સુખરામ રાઠવા સહિતનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યુ.
  • ‘આપ’નેતા અરવિંદ કેજરીવાલ સાંજે ભાવનગર પહોંચશે : દારૂબંધીના કાયદાનો કોઇ અમલ જ થતો ન હોવાનો આરોપ
  • રાજય સરકારે ઋષિકેશ પટેલ તથા જીતુ વાઘાણીને દોડાવ્યા : રાજકારણ કરવાનો સમય ન હોવાનો બચાવ, આકરા પગલા લેવાનો દાવો

અમદાવાદના ધંધુકા તથા બોટાદના બરવાળામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 31 જેટલા લોકોનો ભોગ લેવાાયાના પગલે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. દારૂબંધી હોવા છતાં ગામેગામ છડેચોક દારૂ વેચાતો હોવાના વખતોવખત આરોપો પછી હવે લઠ્ઠાકાંડની ઘટનાથીએ સાબિત થઇ જતું હોવાના આરોપ સાથે વિપક્ષો સરકાર પર તૂટી પડયા છે. વિપક્ષી નેતાઓના ધાડા અસરગ્રસ્ત શહેરોમાં પહોંચ્યા છે, તો રાજય સરકારે પણ બે કેબીનેટ પ્રધાનોને દોડાવીને ડેમેજ કંટ્રોલના પ્રયાસો શરૂ કર્યા છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તથા વિપક્ષી નેતા સુખરામ રાઠવા સહિતના નેતાનું પ્રતિનિધિ મંડળ આજે બપોરે બરવાળા, રોજીદ અને ભાવનગર પહોંચી ગયું હતું. લઠ્ઠાકાંડામાં સારવાર લઇ રહેલા દર્દીઓને હોસ્પિટલમાં મળ્યા હતા જયારે ભોગ બનેલા તથા અસરગ્રસ્ત પરિવારોના સભ્યોને મળીને સાંત્વના પાઠવી હતી.

આ સિવાય ‘આપ’ના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સૌરાષ્ટ્રના પ્રવાસે હોવાથી તેઓએ પણ ભાવનગર જવાનું જાહેર કર્યું છે. ભાજપ સરકાર પર આરોપ મુકતા તેઓએ કહ્યું કે દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂ સરળતાથી અને છડેચોક મળી જ જાય છે. દારૂબંધી માત્ર કાગળ પર છે અને તેનો કોઇ અમલ થતો નથી. લઠ્ઠાકાંડ ગુજરાત માટે નવો નથી ભુતકાળમાં પણ અનેક આવા કિસ્સા બન્યા છે. તેઓએ મૃતકો તથા અસરગ્રસ્તો માટે સાંત્વના પણ પાઠવી હતી. સાંજે અસરગ્રસ્ત પરિવારોને રૂબરૂ પણ મળશે.

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ આક્રમક મિજાજ દર્શાવતા એમ કહ્યું કે, રાજય સરકારે નિમેલી કમીટી પર ભરોસો નથી અને નિર્લિપ્ત રાયના વડપણ હેઠળ તપાસ યોજવાની માંગ કરી હતી. એટલું જ નહીં દારૂનું વેચાણ અટકાવવામાં નિષ્ફળ ગયેલા આઇપીએસ સહિતના અધિકારીઓ સામે પગલા લેવાની માંગ કરી હતી.

બીજી તરફ બે કેબીનેટ પ્રધાનો આજે બપોરે જ ભાવનગર પહોંચી ગયા હતા. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ લઠ્ઠાકાંડની ઘટનાને દુ:ખદ ગણાવતા એવો બચાવ કર્યો હતો કે અત્યારનો સમય રાજકીય આરોપો મુકવાનો કે રાજકારણ રમવાનો નથી રાજય સરકાર આ ઘટના બાદ તુર્ત એકશનમાં આવી જ ગઇ છે અને લઠ્ઠાકાંડના અસરગ્રસ્તોની સારવાર સહિતની કાર્યવાહી યુધ્ધના ધોરણે શરૂ કરી છે. ઉપરાંત સમગ્ર ઘટના અંગે તાત્કાલીક સીટની પણ રચના કરી દેવામાં આવી છે. જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવામાં આવશે તે પ્રતિબધ્ધતા છે. આ તકે ઋષિકેશ પટેલે પણ કહ્યું કે અમદાવાદથી ટીમ મોકલવામાં આવી છે. સમગ્ર ઘટનાને રાજય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે અને જવાબદારોને છોડવામાં નહીં આવે, કડકમાં કડક સજા કરાશે.

કોંગ્રેસ પ્રમુખ રોજદ પહોંચ્યા, મૃતકની અંતિમ યાત્રામાં નનામીને કાંધ આપી
બોટાદ જિલ્લા રોજદ ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, ધારાસભ્ય રાજેશભાઈ ગોહેલ, લાખાભાઈ ભરવાડ વિગેરે આગેવાન પહોંચ્યા હતા અને લઠ્ઠાકાંડના મૃતકની અંતિમ યાત્રામાં નનામીને કાંધ આપી હતી.

આરોગ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી ભાવનગર હોસ્પિટલની મુલાકાતે
બોટાદ જીલ્લામાં તેમજ અમદાવાદ જીલ્લાના ધોળકા-ધંધુકા વિસ્તારમા બનેલ લઠ્ઠાકાંડની ઘટનાને લીધે સારવાર લઇ રહેલા અસરગ્રસ્ત દર્દીઓ તેમજ તેમના પરિવારજનોની ભાવનગર સીવીલ હોસ્પીટલ ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ ભાવનગરની હોસ્પિટલ દર્દીઓની મુલાકાત લીધી હતી.

ગૃહમંત્રીની ડીજીપી સહિતના અધિકારીઓ સાથે બેઠક : લઠ્ઠાકાંડની સંપૂર્ણ વિગત મેળવી, બોટાદ – બરવાડા લઠ્ઠા કાંડ મામલે સરકાર એક્શનમાં આવી છે. આ લઠ્ઠા કાંડ આચરનાર 10 આરોપીઓને અટકાયતમાં લઈ લેવાયા છે. કુલ 14 સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડીજીપી આશિષ ભાટિયા, કાયદો વ્યવસ્થાના ડીજી નરસિમ્હા કોમર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આઈબીના વડા અનુપમસિંહ ગહેલોત પણ હાજર રહ્યા હતા. રેન્જ આઈજી અને બોટાદ એસપી વીડિયો કોંફરન્સથી જોડાયા હતા. ગૃહમંત્રીએ લઠ્ઠાકાંડની સંપૂર્ણ વિગત મેળવી અને આ ગુનામાં સંડોવાયેલ તમામને શોધી કાઢી ગુના મૂળ સુધી પહોંચી કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.

બોટાદમાં મહિલા એએસઆઇ સસ્પેન્ડ :-
બરવાળાના લઠ્ઠાકાંડથી પોલીસ કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા હતા ત્યારે જ બુટલેગર સાથે બોટાદ પોલીસના મહિલા આઈએસઆઈ અને હોમગાર્ડ જવાનની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. જે બાદ હોમગાર્ડ જવાન અને એએસઆઈને સસ્પેન્ડ કરી દેવાયા છે. લઠ્ઠાકાંડ વચ્ચે પોલીસ હપ્તાખોરીનો ઓડિયો વાયરલ થયો હતો. જેમાં પોલીસ સાથે હપ્તાના સેટિંગની વાતચીત સ્પષ્ટ સાંભળવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, મહિલાનો અવાજ છે તે બરવાળા પોલીસ સ્ટેશનના એએસઆઈ છે. આ ઓડિયો ક્લીપ વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી. આઈએસઆઈ યાસમીનબાનું ઝડકીલા અને હોમગાર્ડ જવાન પ્રકાશ કોળીને સસ્પેન્ડ કરાયાનું જાણવા મળે છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ
આ સમાચારને શેર કરો