Placeholder canvas

‘કેજરીવાલના વેપારી સંવાદ’માં જગ્યા ટૂંકી પડતા, વેપારીઓ કેજરીવાલને ‘ઉભા-ઉભા’ સાંભળીયા…

જીએસટી, વીજબીલ, બોરની ફી, યાર્ડ ટેક્સ સહિતના પ્રશ્નોનો ઢગલો: વેપાર-ઉદ્યોગકારોને એક-એક પ્રશ્નોના જવાબ આપતાં ‘આપ’ નેતા અરવિંદ કેજરીવાલ

રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને આ વખતે મેદાનમાં ભાજપ-કોંગ્રેસની સાથે જ આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે, અત્યારથી જ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી પહોંચ્યા હતા અને અહીં તેમણે કાલાવડ રોડ પર આવેલા રત્નમ વિલામાં વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમને સંબોધન કર્યું હતું.

અહીં એક વાત એ પણ નોંધનીય છે કે કેજરીવાલના વેપારી સંવાદને ફ્લોપ કરવાના અનેક રાજકીય પ્રયાસો થયા હતા જે આજે ઉમટી પડેલી મેદનીને કારણે બૂમરેંગ સાબિત થયાનું પણ રાજકીય પંડિતો જણાવી રહ્યા છે. આજના કાર્યક્રમમાં એટલી સંખ્યામાં વેપારીઓ ઉમટી પડ્યા હતા કે સંવાદસ્થળની જગ્યા ટૂંકી પડી ગઈ હતી. આમ છતાં વેપારીઓએ ઉભા-ઉભા કેજરીવાલને સાંભળ્યા હતા.

દરમિયાન રાજકીય નિષ્ણાતો સભામાં ઉમટી પડેલી મેદનીને લઈને એવી ટકોર પણ કરી રહ્યા છે કે ભાજપ સામેના ‘છૂપા રોષ’નો જ આ પડઘો ગણી શકાય કેમ કે કેજરીવાલના કાર્યક્રમમાં 1000થી વધુ વેપારીઓ ઉમટી પડ્યા છે જે સંખ્યા ખૂબ મોટી કહી શકાય. બીજી બાજુ આ કાર્યક્રમમાં વેપારીઓ દ્વારા કેજરીવાલને જીએસટી, વીજબીલ, યાર્ડ ટેક્સ, બોરની ફી સહિતના પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. કેજરીવાલ દ્વારા વેપાર-ઉદ્યોગકારોના એક-એક પ્રશ્નને પહેલાં ધ્યાનથી સાંભળ્યા હતા અને ત્યારપછી તેમના એક-એક કરીને જવાબો આપ્યા હતા.

આ કાર્યક્રમમાં રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સના સેક્રેટરી નૌતમ બારસીયા ઉપરાંત કારોબારી સભ્યો અશોક વીરડીયા, કિશોર વઘાસીયા અને રાજુ જુંજા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત માર્કેટ યાર્ડ દલાલ મંડળના પ્રમુખ અતુલ કમાણી, એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ પરેશ વસાણી, ગ્રેટર ચેમ્બરના ધનસુખ વોરા સહિત સંખ્યાબંધ સંગઠનોના હોદ્દેદારો-પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સંવાદમાં કેજરીવાલે વેપારીઓ સાથેની વાતચીતમાં એમ પણ જણાવ્યું હતું કે દિલ્હીમાં જ્યાં સુધી જીએસટી દરોડા પ્રથા ચાલું હતું ત્યાં સુધી સરકારની આવક 30,000 કરોડથી વધતી નહોતી પરંતુ આમ આદમી પાર્ટી શાસનમાં આવ્યા બાદ સૌથી પહેલાં દરોડા પ્રથા બંધ કરવામાં આવી હતી જેનો જબ્બર ફાયદો મળ્યો હોય તેવી રીતે સરકારની આવક 75,000 કરોડ થઈ જવા પામી છે. આ આવક કલ્પના બહારની ગણાય છે અને તેના થકી અમે લોકો તેમજ વેપારીઓનું ભલું કરી રહ્યા છીએ.

કેજરીવાલે એવી ચોખવટ પણ કરી કે એક વર્ષ પહેલાં સુરતમાં વેપારી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉમટી પડવાના હતા પરંતુ કાર્યક્રમની આગલી રાત્રે અચાનક જ આયોજકોએ અમને દિલ્હી ફોન કરીને કહ્યું હતું કે કાર્યક્રમ રદ્દ કરવો પડશે ! જો કે રાજકોટના વેપારીઓ બિલકુલ ડર્યા નથી અને હિંમત રાખીને કાર્યક્રમમાં ઉમટી પડ્યા છે જેનો તેમને બમ્પર ફાયદો મળશે. હું અહીં ડરનો માહોલ ખતમ કરવા માટે જ આવ્યો છું.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો