Placeholder canvas

ઝૂલતા પુલ દુર્ઘટનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ:આરોપી તરીકે જયસુખ પટેલનું નામ ઉમેર્યું.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે 1200 પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. મોરબીની સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ત્યારે આ કેસમાં અત્યાર સુધીમાં આ કેસમાં 9 લોકોની ધરપકડ થઈ છે. જેમાં આજે રજૂ કરાયેલી ચાર્જસીટમાં મુખ્ય આરોપી તરીકે ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું છે. જોકે જયસુખ પટેલે આ મામલે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલી છે. જેની સુનવણી 1લી ફેબ્રુઆરીના રોજ થવાની છે. 30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.

મોરબી ઝૂલતો પુલના મેન્ટેનન્સ અને મેનેજમેન્ટની જવાબદારી ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી અને ઝૂલતો પુલનું રીનોવેશન કરવામાં આવ્યા બાદ પાંચ દિવસમાં જ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. જે બનાવ મામલે મૃતકોના પરિવારો દ્વારા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. જોકે ઝૂલતો પુલ દુર્ઘટના મામલે થયેલી ફરિયાદમાં તેમનું નામ આરોપી તરીકે મુકવામાં આવ્યું નહતું.

મોરબીવાસીઓ ક્યારેય ભૂલી ના સકે તેવી ગોઝારી દુર્ઘટના 30 ઓક્ટોબર 2022 ના રોજ સર્જાઈ હતી. દિવાળીની રજાઓ માણી રહેલા સ્થાનિકો તેમજ મોરબી ફરવા આવેલા લોકો મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન ઝૂલતો પુલની મજા માણી રહ્યાં હતા ત્યારે ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ નાગરિકોના જીવ લેવાયા હતા. જે દુર્ઘટના મામલે પોલીસે આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે.

આ સમાચારને શેર કરો