Placeholder canvas

ગુજરાતમાં ‘આપ’ અને ‘પાસ’ હાથ મિલાવશે ? ચાલતી રાજકીય ચર્ચા

ચૂંટણી આવે એટલે શું ન થાય ? જેમની કલ્પના ન હોય એવું થઈ જાય અને થવાનું જ છે એવું માની લીધું હોય એ ન પણ થાય એટલે જ કહે છે ને કે રાજકારણમાં કોઈ ગેરંટી ન હોય અને કાયમી કોઈ દોસ્ત કે દુશ્મન પણ ન હોય…

ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ધારાસભા ચૂંટણી પૂર્વે પાટીદારો ક્યા પક્ષ સાથે જશે તે અંગે સતત સસ્પેન્સ વધી રહ્યો છે. એક તબક્કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકીય ઇનીંગ શરુ કરવા અને કોંગ્રેસથી લઇ આમ આદમી પાર્ટી અને છેલ્લે ભાજપમાં પણ જોડાઇ તેવી શક્યતા દર્શાવાઈ હતી પરંતુ અંતિમ ઘડીએ નરેશ પટેલે તેમનો રાજકીય નિર્ણય મુલત્વી રાખ્યો હતો.

તેમ છતાં હજુ પણ આખરી ઘડીએ પાટીદાર સમાજ કોઇ મહત્વનું હુકમનું પતુ ઉતરે તેવા પણ સંકેત છે અને ખાસ કરીને અગાઉ 2015ની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અને 2017ની ધારાસભા ચૂંટણીમાં પાટીદાર મતોએ મહત્વની ભૂમિકા ભજવીને કોંગ્રેસને જબરો બુસ્ટર ડોઝ આપ્યો હતો જો કે કોંગ્રેસ આ પરિસ્થિતિને પોતાની કેપીટલ તરીકે પૂરવાર કરી શકી નહીં અને કોંગ્રેસના અનેક પાટીદાર નેતાઓ ભાજપમાં ભળી ગયા અને હજી છથી સાત ધારાસભ્યો ભાજપમાં ભળે તેવી શક્યતા છે. પરંતુ ટોચના સુત્રોના જણાવ્યા મુજબ એક સમયે હાર્દિક પટેલના ઉદય માટે મહત્વની ભૂમિકા ભજવનાર પાટીદાર અનામત આંદોલન સમિતિ ફરી એક વખત પુન:જીવિત થઇ રહી છે અને તે ચૂંટણી સમયે ફરી એક વખત પાટીદાર મતોનો વિવાદ સર્જી શકે છે.

હાલમાં જ પાટીદારોને 20થી 23 ટીકીટ આપવી જોઇએ તેવા પાસના પૂર્વ નેતા દિનેશ બાંભણીયાએ માગણી કરી હતી. આ ઉપરાંત એસપીજીના વડા લાલજીભાઈ પટેલે પણ પાટીદારોના પ્રશ્નો ખાસ કરીને આંદોલનના શહીદોના પરિવાર માટે જે વાયદાઓ થયા હતા તેનું પાલન થયું નથી તેવું જણાવીને ચૂંટણી પૂર્વે પાટીદાર મતો માટે કોઇ ભૂમિકા બનાવવાની તૈયારી કરી છે તો બીજી તરફ સુરતમાં જે રીતે આમ આદમી પાર્ટીએ પાટીદાર મતોના પ્રભાવથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જબરો દેખાવ કર્યો તેથી હવે વિધાનસભા ચૂંટણીમાં સુરતમાં પણ પાટીદાર મતો ભાજપને ચિંતા છે. સુરતની 12 વિધાનસભા બેઠકો પર ભાજપનો કબજો છે

જેમાં છ બેઠકો પાટીદાર નેતા ચૂંટાયા છે અને તેમાં પૂર્વ મંત્રી કુમાર કાનાણી બાગી માનવામાં આવે છે. હાલમાં જ તેણે કેટલાક જે વિધાનો કર્યા હતા તે પરથી ચૂંટણી ટીકીટ માટે તેઓ ફરી પ્રયત્ન કરશે પરંતુ મંત્રી મંડળમાંથી પડતા મુકાયા બાદ તેઓનું જે વજન ઘટી ગયું છે તેથી હવે ફરી ટીકીટ મળશે કે કેમ તે પ્રશ્ન છે. તે વચ્ચે પાટીદાર અનામત આંદોલન સમિતિ આમ આદમી પાર્ટીની સાથે જાય તો પણ આશ્ર્ચર્ય થશે નહીં. ખાસ કરીને ભાજપમાં પ્રવેશ બાદ હાર્દિક પટેલની ભૂમિકા હજુ નિશ્ર્ચિત થઇ નથી અને તે પણ આગામી ધારાસભા ચૂંટણી લડવા આતુર છે. આ સ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટી લાભ ઉઠાવે તો આશ્ર્ચર્ય થશે નહીં.

આ સમાચારને શેર કરો