Placeholder canvas

કેજરીવાલે દ્વારકામાં ગેરંટી આપતા કહ્યું… “ખેડૂતોને દિવસે 12 કલાક વીજળી આપીશું”

“દસ લાખ નોકરીની તકો ઉભી કરીશું; બેરોજગારોને દર મહિને 3 હજાર ભથ્થું”

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે દ્વારકા પધાર્યા હતા. અરવિંદ કેજરીવાલે દ્વારકામાં ખેડૂતોની એક જંગી જનસભાને સંબોધી હતી અને મંચ પરથી ગુજરાતની જનતા માટે શિક્ષણ-સ્વાસ્થ્ય અને રોજગારી જેવા મુદ્દાઓને લઈને તેમજ ખેડૂતો માટે વિશેષ ગેરંટીઓની જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલની સભા માટે મોટો શામીયાણો ઉભો કરવામાં આવ્યો હતો, જ્યાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા ઉમટી પડ્યા હતા.

અરવિંદ કેજરીવાલે જનતાને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતની જનતા પાસેથી સારો એવો પ્રેમ મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી જુઠ્ઠા વાયદા નથી કરતી, જે કહીએ છીએ તે કરીને બતાવીએ છીએ. હું તમારી પાસેથી પાંચ વર્ષની ગેરંટી માગુ છું. જો પાંચ વર્ષમાં કાંઈ ન થાય તો અમને ધક્કા મારીને કાઢી મુકજો. તેમણે પહેલી ગેરંટી આપી હતી કે દરેક યુવાઓ માટે રોજગારી આપીશું. દરેક બેરોજગારોને દર મહિને 3 હજાર રૂપિયાનું ભથ્થુ આપીશું. અમે 10 લાખ સરકારી નોકરીની તકો ઉભી કરીશું.

પેપર ફૂટવા અંગે તેમણે જણાવ્યું હતું કે આપની સરકાર બનવાના એક વર્ષની અંદર તમામ પરિક્ષાઓ પૂર્ણ કરાવીશું. ફેબ્રુઆરીમાં તલાટીનું પેપર લેવાશે અને એપ્રિલમાં તેમને પોસ્ટિંગ મળી જશે. જેટલા પણ પેપર ફૂટ્યા એ અંગે તપાસ કરાવીશું અને એ તમામના આરોપીઓને જેલભેગા કરીશું. બીજી ગેરંટી આપતાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં અમારી સરકાર લાવો, સરકાર બનવાના 3 મહિના પછી તમારે જે લાઈનું બીલ આવશે એ ઝીરો આવશે. અમારી સરકાર બનશે તો તમારા જૂના તમામ બીલ માફ અને દર મહિને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. 18 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા જમા કરવામાં આવશે.

ત્રીજી ગેરંટી આપતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની તમામ સરકારી સ્કૂલો વધુ સારી બનાવીશું. ગુજરાતની તમામ પ્રાઈવેટ સ્કૂલોની ઓડિટ કરાવીશું અને તેમણે જેટલી પણ વધારે ફી લીધી છે એ પાછી અપાવીશું. ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોની સ્થિતી સુધારીશું અને તેમાં તમામ લોકો માટે ઈલાજ મફત હશે.

“ખેડૂતોને દિવસે 12 કલાક ખેતી કરવા માટે વીજળી આપીશું”
ખેડૂતોને ગેરંટી આપતાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ખેડૂત પોતાની ઉપજ MSP પર સરકારને વેચી શકશે, સરકાર તેમની ઉપજ ખરીદશે. ખેડૂતોને દિવસે 12 કલાક ખેતી કરવા માટે વીજળી આપીશું. જમીનોનો નવો સર્વે કરાવવામાં આવશે. જ્યારે કોઈ ખેડૂતનો પાક નિષ્ફળ જશે ત્યારે 20 હજાર પ્રતિ એકરના હિસાબે ખેડૂતને વળતર આપીશું. નર્મદા બંધના પૂરા કમાન્ડ ક્ષેત્રમાં એક વર્ષમાં અને ખૂણે ખૂણે પાણી પહોંચાડીશું અને દેવામાફીની પણ તેમણે ખેડૂતોને ગેરંટી આપી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV
આ સમાચારને શેર કરો