Placeholder canvas

ક્યાં-કેટલો ટ્રાફિકજામ છે ? એપ્લીકેશન બેઈઝ જાણકારી આપનારું રાજકોટ ગુજરાતનું પ્રથમ શહેર બનશે

રાજકોટ : રંગીલા રાજકોટ શહેરમાં જો અત્યારે સૌથી વિકરાળ કોઈ સમસ્યા ગણવી હોય તો તે ટ્રાફિકની સમસ્યાને ગણી શકાય. પોલીસ દ્વારા ઘણા વર્ષોથી શહેરીજનોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ આપવા માટે અવનવા કીમિયા અખત્યાર કરવામાં આવી રહ્યા છે છતાં તેનો કોઈ જ તોડ હજુ સુધી મળ્યો નથી. આ બધાની વચ્ચે ટૂંક સમયમાં હવે ટ્રાફિકજામ, રસ્તા પર ખોદાયેલા ખાડા સહિતની મહત્ત્વપૂર્ણ જાણકારી લોકોને મોબાઈલ ઉપર જ મળતી થઈ જશે. આ માટે નમેપ માય ઈન્ડિયાથ નામની એપ્લીકેશનને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે જેના ડેવલપર્સ સાથે વાટાઘાટ અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સંભવત: આવતાં સપ્તાહે પોલીસ અને ડેવલપર્સ વચ્ચે કરાર કરવામાં આવી શકે છે.

આ સાથે જ ટ્રાફિક અંગેની ઝીણામાં ઝીણી માહિતી એપ્લીકેશન ઉપર અપલોડ કરનારું રાજકોટ ગુજરાતનું પ્રથમ શહેર બનશે. આ માટે દેશના અમુક શહેરોને જ પસંદ કરવામાં આવ્યા છે જેમાં રાજકોટ સમાવિષ્ટ છે. આ એપ્લીકેશન ચાલું થાય એટલે જે રસ્તો બંધ હશે તેની જાણકારી સરળતાથી મળી શકશે. આ ઉપરાંત કોઈ રસ્તા પર ખોદકામ ચાલું હશે કે ડાયવર્ઝન આપવામાં આવ્યું હશે તો તેની માહિતી પણ નમેપ માય ઈન્ડિયાથ એપ્લીકેશન પરથી મળી રહેશે. આ એપ્લીકેશનની ખાસ વાત એ છે કે રાજકોટમાં કયા રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો છે તેની જાણકારી રિયલ ટાઈમ મતલબ કે તાત્કાલિક એપ્લીકેશન પર મળતી થઈ જશે.

આ ઉપરાંત રાજકોટના કયા રસ્તા પર કેટલા સ્પીડ બ્રેકર આવેલા છે તેની જાણકારી પણ લોકો એપ્લીકેશન પરથી જ મેળવી શકશે. આવી જ રીતે રાજકોટમાં મંત્રીઓ સહિતના વીઆઈપીઓની મૂવમેન્ટ સતત રહેતી હોવાથી આ એપ્લીકેશન વીઆઈપી મૂવમેન્ટની જાણકારી પણ આપી દેશે. આ એપ્લીકેશનનું લોન્ચીંગ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે અને એપ ડેવલપર્સ સાથેની વાતચીત પણ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે ત્યારે સંભવત: એક સપ્તાહમાં જ તેને લોન્ચ કરવામાં આવી શકે છે. આ માટે એક નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવશે જે ટ્રાફિક-રોડની માહિતી ફિલ્ડ સ્ટાફ પાસેથી મેળવતા રહેશે.

રાજકોટમાં અનેક માર્ગો ઉપર બાઈક-કાર ચાલકો ફૂલ સ્પીડમાં વાહન ચલાવતા હોવાને કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે નમેપ માય ઈન્ડિયાથ એપ્લીકેશનમાં ઓવરસ્પીડમાં કોઈ વાહન પસાર થશે તો તે પણ પકડાઈ જશે. આ પછી તે વાહનચાલકને એપ્લીકેશન મારફતે જ ચેતવણી મોકલી વાહન મર્યાદિત સ્પીડમાં ચલાવવાનો મેસેજ મળશે. મેસેજ મળ્યા બાદ પણ જો કોઈ સુધારો નહીં જણાય તો પોલીસ દ્વારા તેની સામે કાર્યવાહી કરાશે.

આ સમાચારને શેર કરો