Placeholder canvas

રાજકોટ: દારૂ ભરેલા ટ્રક પક્કડવામાં SMC અને એરપોર્ટ પોલીસ વચ્ચે ‘ટાઈ’ !!

રાજકોટ: થર્ટી ફર્સ્ટ પૂર્ણ થતાંની સાથે જ પોલીસ ‘કુણી’ પડી ગઈ હશે તેવું માનીને બૂટલેગરો દ્વારા ટ્રક ભરી ભરીને દારૂ મંગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ પોલીસ કદાચ અંધારામાં રહી જતી હશે પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કોઈ પ્રકારની કચાશ રાખ્યા વગર રાજકોટમાં આવીને દારૂ પકડવાનું શરૂ કરી દેવામાં આવતાં બૂટલેગરોમાં તો ફફડાટ ફેલાઈ ગયો છે.

સાથે સાથે સ્થાનિક પોલીસના પગ પણ હવે ધ્રુજવા લાગ્યા હોય તેવું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. આ બધાની વચ્ચે ગઈકાલે રાજકોટમાં જાણે કે દારૂ ભરેલા ટ્રક પકડવાની હોડ જામી ગઈ હોય તેવી રીતે સ્ટેટ મોનિટરિંગ સેલે બામણબોર જીઆઈડીસી પાસેથી દારૂની 21418 બોટલ ભરેલો ટ્રક પકડ્યાની 45 મિનિટમાં જ સ્થાનિક એરપોર્ટ પોલીસે બામણબોર જીઆઈડીસી પાસેથી જ 9120 બોટલ ભરેલો ટ્રક પકડીને પોતાની ‘કામગીરી’ બતાવી દીધી છે !

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના એડીજીપી નીરજા ગોટરુ, એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ.જાડેજા સહિતની ટીમ દ્વારા બામણબોર જીઆઈડીસીમાં ગ્રીન પ્લાય કારખાના નજીક પાર્ક કરાયેલો દારૂ ભરેલો ટ્રક પકડી પાડવામાં આવ્યો હતો. આ ટ્રકની તલાશી લેવામાં આવતાં તેમાં પશુઓના ખોરાકની થેલીઓ નીચે છુપાવેલો દારૂ મળી આવ્યો હતો.

ત્યારબાદ પોલીસે ટ્રક ડ્રાઈવર કેશારામ લાખારામ જાટ (રહે.બાડમેર-રાજસ્થાન)ની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે એવી કબૂલાત આપી હતી કે તેને જાલંધર-અમૃતસર હાઈ-વે પર આ ટ્રક સોંપવામાં આવ્યો હતો. દારૂ ભરેલા ટ્રકને તેણે પાલનપુર બોર્ડર પરથી ગુજરાતમાં ઘૂસાડ્યો હતો અને ત્યાંથી સુરેન્દ્રનગર થઈને તે રાજકોટ સુધી આવ્યો હતો. જો કે અહીં આ દારૂ કોને આપવાનો હતો તેની તેને જાણ ન હોવાનું તેણે કહ્યું હતું.

સ્ટેટ મોનિટરિંગ સેલની ઉંડાણપૂર્વકની તપાસમાં એવો ખુલાસો થયો છે કે દારૂ ભરેલો આ ટ્રક રાજસ્થાનથી ખેતારામ નામના સપ્લાયરે મોકલ્યો છે જેથી તેના ઉપરાંત અમૃતસર-જાલંધરના બે ડ્રાઈવર અને દારૂ મંગાવનાર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. એસએમસીએ 50,63,370 રૂપિયાની કિંમતની દારૂની 21418 બોટલ, 10 લાખનો ટ્રક, રોકડ સહિત રૂા.60,74,920 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલો ટ્રક પકડ્યાની 45 મિનિટ બાદ જ એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ એમ.એ.ઝણકાત, પીએસઆઈ એ.કે.રાઠોડ, આર.એન.સાંકળીયા, એએસઆઈ જે.એલ.બાળા સહિતના સ્ટાફે બામણબોર જીઆઈડીસીમાં આવેલા ભાગ્ય સ્ટીલના કારખાના પાસે રોડ ઉપર પડેલો ટ્રક પકડી પાડી તેમાં રહેલી 38,40,000 રૂપિયાની દારૂની 9120 બોટલ મળી કુલ 53,47,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એરપોર્ટ પોલીસે ટ્રક ડ્રાઈવર માનારામ લાલારામ જાખડ (રહે.બાડમેર-રાજસ્થાન)ની ધરપકડ કરી આ દારૂ રાજકોટમાં કોણે મંગાવ્યો તેની તલાશ શરૂ કરી છે.

દારૂ ભરેલા બે ટ્રક પકડાયા બાદ એવી વાતો વહેતી થવાનું શરૂ થઈ ગયું હતું કે સ્ટેટ મોનિટરિંગ સેલ બામણબોર જીઆઈડીસીમાં બે ટ્રક પકડવા માટે જ આવી હતી. જો કે બેમાંથી એક ટ્રક તેના ‘રડાર’ મતલબ કે ટ્રેસિંગમાંથી બહાર થઈ જવાને કારણે હાથ લાગી નહોતી. જો કે એક ટ્રક પકડાઈ ગયાની વાત વાયુવેગે પ્રસરી જતાં સ્ટેટ મોનિટરિંગ સેલ બીજા ટ્રક સુધી પહોંચે તે પહેલાં જ એરપોર્ટ પોલીસે પકડી લઈને પોતાની ‘કામગીરી’ બતાવી દીધી હતી.

આ સમાચારને શેર કરો