હિટ એન્ડ રન: ચેતન જાદવ તેના પિતા સાથે ઘરે જવા રોડ પર ઉભા હતાં ને મોત ત્રાટક્યું
રાજકોટ: શાપર નજીક હાઇવે પર ઘરે જવા રિક્ષાની રાહ જોઈ ઉભેલા ચેતન યાદવ નામના યુવકને ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતાં માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, શાપરમાં ભૂમિ ગેઇટ રોડ પર રહેતાં અને અતુલ ઓટોમાં કામ કરતાં ચેતનભાઈ સવજીભાઈ જાદવ (ઉ.વ.22) ગતરોજ તેના પિતા સાથે કંપનીમાંથી કામ પુરૂ કરી ઘરે પરત ફરવા માટે વિકાસ સ્ટવ પાસે રોડ પર રિક્ષાની રાહ જોઈ ઉભેલા હતાં.
ત્યારે પુરપાટ ઝડપે આવેલાં ટ્રેકટર ચાલકે હડફેટે લેતાં યુવક રોડ પર પટકાયો હતો. જેને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં મૃતક ત્રણ ભાઈ બહેનમાં વચ્ચેટ હતો. બનાવથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.