Placeholder canvas

શાકભાજીનાં ભાવ એકાએક ‘અર્ધોઅર્ધ’ ઘટી ગયા…!!!

રૂા.200 ના સ્તરે પહોંચેલા ટમેટાના ભાવ યાર્ડમાં 80 થી 100 બોલાયા

ટમેટા અને શાકભાજીના ભાવ ઊંચી સપાટી પરથી અચાનક એકાએક મોટો ઘટાડો થવા લાગ્યો છે.ચાર જ દિવસમાં વિવિધ શાકભાજીનાં ભાવ તાજેતરનાં સર્વોચ્ચ સ્તરની અર્ધોઅર્ધ થઈ ગયા છે.

સૌરાષ્ટ્ર-ગુજરાત સહીત દેશના અનેક ભાગોમાં ચોમાસા પૂર્વેનો ભારે કમોસમી વરસાદ તથા ત્યારબાદ ચોમાસાનો અતિભારે વરસાદ ખાબકયો હતો. દિવસો સુધી વરસાદી કહેરની સ્થિતિમાં ઠેકઠેકાણે શાકભાજીનું ધોવાણ થયુ હતું. ઉપરાંત પૂર જેવી હાલતથી પરિવહન ખોરવાતા ઉત્પાદક મથકોએથી દેશના વિવિધ ભાગોમાં સપ્લાય પણ પ્રભાવીત થઈ હતી. આ સ્થિતિમાં ટમેટાથી માંડીને તમામે તમામ શાકભાજી મોંઘાદાટ થયા હતા. કયારેય ન જોવા મળેલા ભાવ થતા આમ આદમીમાં જબરો ઉહાપોહ સર્જાયો હતો.

ખાસ કરીને ટમેટાનાં ધરખમ ભાવથી સરકાર પણ લોકરોષથી ચિંતીત થઈ હતી અને કેટલાંક રાજયોમાં સરકારી એજન્સી મારફત સસ્તા ભાવે ટમેટાનું વેચાણ શરૂ કરવાની ફરજ પડી હતી.

શાકભાજીનાં વેપારીઓના કહેવા પ્રમાણે ભારે વરસાદના લાંબા દોરને પગલે લાંબા વખત સુધી ભાવ ઉંચા રહ્યા હતા. પરંતુ હવે આ ઉંચાભાવનો સમયગાળો પૂર્ણ થયો છે.છેલ્લા 10-15 દિવસથી મેઘવિરામ રહેતા શાકભાજીની આવકો વધવા લાગી છે.મૌસમથી રાહત મળવા સાથે શાકભાજી ઉગાડતા ખેડુતોને પાક લેવાનું સરળ થઈ ગયુ છે.

યાર્ડને લાગે વળગે છે ત્યાં સુધી છેલ્લા દિવસોમાં સર્વોચ્ચ સ્તરે પહોંચેલા અનેક શાકભાજીનાં ભાવ અર્ધોઅર્ધ ઘટી ગયા છે. એટલુ જ નહિં મેથી-કોથમરી જેવી ચીજોનાં ભાવમાં તો 75 ટકા જેવો ઘટાડો છે. મોટાભાગનાં શાકભાજીનાં લોકલ આવક શરૂ થઈ ગઈ છે અને તે વધવા લાગી છે. આવતા દિવસોમાં હજુ સપ્લાય વધવાની શકયતાને ધ્યાને લેતાં ભાવમાં વધુ ઘટાડાની સંભાવના છે.

રાજકોટમાં મરચા, દુધી, તુરીયા, કાકડી, રીંગણા જેવી ચીજોની ભરપુર આવકો થવા લાગી છે સાથોસાથ ભાવમાં પણ મોટો ઘટાડો છે. દુધીનો ભાવ થોડા દિવસો પૂર્વે હોલસેલમાં 50 થી 60 સુધી પહોંચ્યા હતા તેના 10 રૂપિયા થઈ ગયા છે. તુરીયા 60-70 ના સ્તરે પહોંચ્યા હતા તેના 10 થી 15 છે. ગલકાનાં 20, મેથીનાં 30-35 તથા કોથમરીનાં 30 થી 50 થયા છે.

કોથમરીનું એક પુરીયુ 30 થી 35 માં મળતુ તે રૂા.5 થી 10 માં મળવા લાગ્યુ છે. ભીંડાનો ભાવ 70-80 રૂપિયાએ પહોંચ્યો હતો તેનાં 30 થી 40 થઈ ગયા છે. ટમેટાની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. 1000 કવીન્ટલની આવક હતી. હોલસેલમાં બેંગ્લોરનાં ટમેટાનું રૂા.100 માં તથા મહારાષ્ટ્રનાં ટમેટાનું રૂા.80 માં વેંચાણ થયુ હતું.

આ સમાચારને શેર કરો