Placeholder canvas

ચોટીલા માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવક શરૂ…, શુ ભાવે વેચાયો કપાસ? જાણવા વાંચો.

મુહુર્તમાં રૂા. 2501નાં ભાવનો સોદો પડયો : ભાવ સારા રહેવાનાં એંધાણ

ચોટીલા યાર્ડમાં નવા કપાસની આવકના શ્રી ગણેશ થયા છે. ત્યારે મુહૂર્તમાં 2501 રૂપિયાનો ભાવ પડતા ખેડૂતોને ચાલુ વર્ષે કપાસનાં સારા ભાવ આવશે તેવી આશા બંધાઈ છે.

ઝાલાવાડ આમ તો કપાસ માટે પ્રસિધ્ધી ધરાવે છે. ચોટીલા અને આસપાસનો વિસ્તાર કપાસનું હબ ગણાય છે ત્યારે ચોટીલા યાર્ડમાં બુધવારના રોજ નવા કપાસની બે ગુણી આવકનાં શ્રીગણેશ થતા વેપારીઓમાં આનંદનો માહોલ છવાયો હતો. નવા કપાસની હરાજીનું મુહૂર્ત ચામુંડા માતાજીને શ્રીફળ વધેરી કરવામાં આવ્યું હતું. પ્રથમ સોદાની બોલી માટે અનેક વેપારીઓએ મુહૂર્તનાં સોદાની બોલીમાં ભાગ લીધો હતો.

નવા કપાસના ભાવનું મુહૂર્ત રૂા. 1501થી શરૂ થયું હતું અને બોલીનાં અંતે રૂા. 2501માં સોદો પડતા ખેડૂતમાં ખૂશી છવાઇ હતી. પ્રથમ સોદાનો ચોટીલા યાર્ડમાં 2501 રૂપિયાનો ભાવ ખુલતા આ વર્ષે કપાસનાં ખેડૂતોને સારા ભાવ રહેશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

આ સમાચારને શેર કરો