Placeholder canvas

રાજકોટમાં એક વૃદ્ધને ગાયે ઢીંક મારતા માથુ ફૂટી ગયું !!

રાજકોટમાં રસ્તા પર રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા ઢોરના હુમલાનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. ત્યારે આજે રખડતા ઢોરના હુમલાનો ભોગ વૃદ્ધ બન્યા છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગોવિંદનગરમાં ગાયે વૃદ્ધને ઢીંકે ચડાવી રોડ પર પટક્યા હતા. વૃદ્ધનું માથુ ફૂટી જતા લોહીલૂહાણ થઈ ગયા હતા અને રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઇ ગયા હતા.

મળેલ માહિતી મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ગોવિંદનગરમાં આજે સવારે ગાયે નાથાભાઈ મુળજીભાઈ નામના વૃદ્ધને ઢીંક મારતા હવામાં ફંગોળાઇ રસ્તા પર પટકાયા હતા. આથી વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા લોહીના ફૂવારા છૂટ્યા હતા. વધારે પડતું લોહી નીકળી જતા રસ્તા પર લોહીના ખોબાચિયા ભરાઇ ગયા હતા. બાદમાં આસપાસમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા અને નાથાભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. નાથાભાઈનો શર્ટ પણ લોહીથી પલળી ગયો હતો.

શહેરમાં રસ્તે રઝળતાં પશુઓને કારણે અગાઉ અનેક જીવલેણ અકસ્માતો બન્યા છે તેમજ ગાય સહિતનાં પશુઓની ઢીંકથી મૃત્યુના કિસ્સા પણ બન્યા છે. આમ છતાં રસ્તે રઝળતાં પશુઓને ડબ્બે પૂરવામાં નિષ્ફળ ગયેલા મહાનગરપાલિકા તંત્રની લાપરવાહીને કારણે વધુ એક વૃદ્ધ ગાયના હુમલાના ભોગ બન્યા છે.

આ સમાચારને શેર કરો