Placeholder canvas

સાયલા નજીક ગાડી ચાલકને આંતરી ફિલ્મી ઢબે કરોડોની લૂંટ…

1400 કિલો ચાંદી અને ઈમીટેશન જ્વેલરીની લૂંટ ચલાવી.

રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાયલા નજીક લૂંટની ઘટના સામે આવી છે. કિંમતી મુદામાલ ભરેલા વાહનને આંતરી ત્રણ કારમાં આવેલા લૂંટારૂઓએ અંદાજે 1400 કિલો ચાંદીની તેમજ ઈમીટેશન જ્વેલરીની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઇજીની સૂચના મુજબ SPના સુપરવિઝન હેઠળ અલગ-અલગ 15થી 17 ટીમ બનાવી નાકાબંધી કરી છે. અંદાજીત 3.80 કરોડની કિંમતની ચાંદીની તેમજ ઈમીટેશન જ્વેલરીની લૂંટ ચલાવવા મામલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના સાયલા હાઇવે પર રૂ. 3 કરોડ 88 લાખની ચાંદી અને ઇમીટેશન જ્વેલરીની લૂંટની ઘટનાથી ચકચાર મચી છે. આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઇ.જી.અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત, એલસીબી અને એસઓજી પીઆઇ સહિત રાજકોટ રેન્જ આઇજીની 15થી 17 ટીમો દ્વારા નાકાબંધી કરવાની સાથે ત્રણ ગાડીઓમાં આવેલા લૂંટારાઓને ઝબ્બે કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાતે જણાવ્યું મુજબ, રસ્તા વચ્ચે ત્રણ ગાડીવાળાએ એક ફોરવ્હીલ ગાડી ચાલકને રોક્યો હતો. બે લોકો ગાડી ચાલકને અજાણી જગ્યાએ લઈ ગયા હતા. ત્યારબાદ ગાડીમાં જે કુરિયરનો જ્વેલરીનો સામાન હતો તે લઈને ફરાર થઈ ગયા હતા. આશરે 3 કરોડ 80 લાખની કિંમતની ચાંદીની તેમજ ઈમીટેશન જ્વેલરીની લૂંટ થઈ છે. આ ચકચારી ઘટના બાદ રાજકોટ રેન્જની 15થી 17 ટીમો દ્વારા સમગ્ર પંથકમાં નાકાબંધી કરી લૂંટારૂને ઝબ્બે કરવાના ચક્રો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ સમાચારને શેર કરો