રાજકોટ: ચાલુ સ્કૂલ બસમાં ડ્રાઇવરને હાર્ટએટેક આવ્યો અને પછી…
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર સત્ય વિજય આઈસ્ક્રીમ પાસે ભરાડ સ્કૂલની બસનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ ચાલકને હાર્ટએટેક આવતા સ્ટયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બે વાહનને અડફેટે લીધા હતા. જોકે બસમાં અંદર એક વિદ્યાર્થિનીએ સ્ટિયરિંગ ફેરવી દેતા રસ્તાની બાજુમાં વીજપોલ સાથે બસ અથડાઇ હતી. વિદ્યાર્થિનીની સમય સુચકતાના કારણે મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી હતી.
આજે રાજકોટની ભરાડ સ્કૂલ બસ આજે ગોંડલ રોડ પરથી પસાર થઇ રહી હતી. ત્યારે બસચાલક હારૂનભાઇ (ઉં.વ. 56)ને હાર્ટ એટેક આવતા તેમણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ દરમિયાન તેમણે બે જેટલા વાહનને અડફેટે લીધા હતા. જોકે બસ ચાલકને એટેક આવ્યો આ સમયે બસમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ભૈરવી વ્યાસે સમયસૂચકતા સાથે સ્ટિયરિંગ ફેરવી દેતા બસ અન્ય વાહનો સાથે અથડાવાના બદલે વીજપોલ સાથે અથડાઈ હતી.