Placeholder canvas

ભયંકર અકસ્માત: પડીકું વળી ગયેલ કારમાંથી મૃતદેહ કાઢવા માટે ત્રણ ક્રેનની મદદ લેવી પડી.

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આજે દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના એટલી ભયંકર હતી કે કાર ચાલકના સ્ટિયરિંગ પર માત્ર આંગળી જ નિહાળી શકાતા હતા. અમદાવાદથી સુરત તરફ જઈ રહેલ કાર અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન બે ટ્રકની વચ્ચે કાર આવી જતાં વિચલિત કરી દેનારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર જાણે રમકડું થઈ જઇ પડીકું વળી ગઈ હતી. આગળ ચાલતી ટ્રકે બ્રેક લગાવતાં કાર ચાલકે પણ તેની ગતિ ધીમી કરી હતી, જો કે પાછળથી ટાઇલ્સ ભરીને આવી રહેલ ટ્રક કાર સાથે ભટકાઈ હતી. કાર બે ટ્રક વચ્ચે જાણે સેન્ડવીચ બની ગઈ હતી.

જોકે અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો ખુરડો બોલી ગયો હતો. જેમાં દુર્ઘટના સમયે કારમાં સવાર માત્ર એક વ્યક્તિનો હાથ જ દેખાતો હતો. જોકે કારમાં અન્ય કેટલા લોકો સવાર છે તેની પણ પુષ્ટિ કરી શકાય ન હતી. અકસ્માતના પગલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવી હતી. 3 ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. પડીકું વળી ગયેલી કાર અને તેમાં સવાર વ્યક્તિના મૃતદેહ કાઢવા ક્રેનથી કારને ટેમ્પામાં ચઢાવી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ત્યાં ગેસ કટરથી કારને કાપીને અંદર રહેલા વ્યક્તિઓને બહાર કાઢવામાં આવી હતી. આ લોકો અમદાવાદની નીલકમલ કંપનીના એમ્પ્લોઇઝ હોય કામ અર્થે સુરત તરફ જઈ રહ્યાં હોવાનું બહાર આવ્યું છે.

અંકલેશ્વરના હાઇવે નંબર 48 ઉપર અનેક અકસ્માતો સર્જાવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે સોમવારના રોજ વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અંકલેશ્વરની વાલીયા ચોકડી ઓવરબ્રિજ પરથી એક અમદાવાદ પાર્સિંગ ફોર વ્હીલર કાર સુરત તરફ જઈ રહી હતી. તે સમયે સાઇડ કાપીને અન્ય ટ્રેકમાં જતાં આગળ બ્રેક ડાઉન પડેલી ટ્રકના પાછળ ભટકતા પાછળ ફૂલ સ્પીડમાં આવી રહેલા ટ્રકના ચાલકે પાછળથી કારને ટક્કર મારતા કારનું કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતના પગલે આજુબાજુમાંથી પસાર થતાં વાહન ચાલકો સ્થળ પર દોડી આવ્યા હતાં.

આ સમાચારને શેર કરો