આજથી રાજ્યની શાળાઓ ખૂલી: ભૂલકાઓનું વેકેશન પૂરુ, આજથી ધો.1 થી 5 ના વર્ગો શરૂ થશે.
આજથી રાજ્યમાં ધો.1થી 5 ના વર્ગો પણ શરૂ થશે. સરકારના ઠરાવ મુજબ રાજ્યમાં આવેલી ગુજરાત, સીબીએસસઈ, આઈસીએસઈ સહિતના તમામ બોર્ડની સ્કૂલોમાં ધો.1થી 5ના વર્ગો શરૂ કરી શકાશે. સરકારના આ નિર્ણયને સ્કૂલ સંચાલકોએ આવકાર્યો છે. પરંતુ વાલીઓ કોરોનાના ભય અને વેક્સિન બાકી હોવાને લીધે બાળકોને હજુ સ્કૂલે મોકલવા અંગે વિચારી રહ્યા છે.
રાજ્યમાં કોરોનાની મહામારીની ગતિ ધીમી પડ્યા બાદ કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. જેથી રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ધોરણ 6થી 12ની સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણને મંજૂરી આપી દેવામાં આવી હતી. જ્યારે છેલ્લા ઘણા સમયથી ધોરણ 1થી 5ના વર્ગો ઓફલાઈન શરૂ કરવા માટેની ચર્ચા ચાલી રહી હતી. જ્યાં એક બાજુ વાલીઓ બાળકોને શાળાએ મોકલવા કે નહીં તે અંગે અસમંજશમાં હતા ત્યારે બીજી બાજુ સ્કૂલ સંચાલકો 1થી 5ના વર્ગો શરૂ કરવા માટે અનેકવાર સરકારને રજૂઆત કરી ચૂક્યા હતા. સરકાર દ્વારા દિવાળી બાદ 1થી 5ના વર્ગો શરૂ કરવા અંગે વિચારવામાં આવતુ હતુ અને 1લી ડિસેમ્બરથી સરકાર મંજૂરી આપે તેવી પ્રબળ શક્યતાઓ હતી. પરંતુ અચાનક રવિવારે જ રાજ્ય સરકારે જાહેરાત કરી દીધી કે આવતીકાલથી ધોરણ 1થી 5ના વર્ગો ઓફલાઇન પણ શરૂ થશે.
આજથી શરૂ થતી શાળામાં જવા વિદ્યાર્થીઓ તો તૈયાર છે. પરંતુ વાલીઓને સૌથી મોટી ચિંતા બાળકોની સુરક્ષાની છે. કારણ કે, મોટા બાળકો પોતાની રીતે કોરોના ગાઇડલાઇનનું પાલન કરી શકે છે. પરંતુ નાના બાળકોની સુરક્ષાને લઇને સ્કૂલ સંચાલકો પર આધાર રાખવા પડશે.
તમામ શાળાઓએ એસઓપીનું પાલન કરવાનું રહેશે
આ અંગે રવિવારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સુરતમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં જણાવ્યું હતું કે, ઘણા સમયથી શાળાઓ બંધ છે, ત્યારે હવે કોરોના હળવો થતાં આવતીકાલથી શરૂ થતાં દિવાળી બાદના સત્રોમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં તમામ શાળાઓએ એસઓપીનું પાલન કરવાનું રહેશે. બાળકોની ઉંમર નાની હોવાથી વધારે તકેદારી રાખવાની રહેશે.
જોકે, બાળકો વાલીઓની સહમતિથી જ શાળાએ આવી શકશે. બાળકોને સંક્રમણના જોખમથી બચાવવા માટે તમામ જરૂરી સાવચેતીઓનું પાલન કરવામાં આવશે. શાળામાં માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો લાગુ પડશે.