skip to content

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ કોળી સમાજ પર ટીપ્પણી કરતા ફરી ભડકો: ભાજપ વિરૂધ્ધ મતદાનનું એલાન

રાજકોટ ભાજપના ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજ પર કરાયેલી ટીપ્પણીનો વિવાદ મતદાનના દિવસો પૂર્વે પણ શાંત ન થયો ત્યારે નાણામંત્રી કનુભાઇ દેસાઇએ નવસારીમાં કોળી સમાજ પર ટીપ્પણી કરતા રોષ ભડકયો છે. રાજકોટ સહિતના શહેરોમાં વિરોધ ઉઠયો છે અને મંગળવારે ભાજપના ઉમેદવારને હરાવવા જય ભવાની, જય માંધાતાના નારા સાથે ભાજપ વિરૂધ્ધ મતદાન કરવાના એલાન અપાયા છે.

આજે રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી ગુજરાત રાજય ઉપાધ્યક્ષ યુવા પાંખ (ભૂતપૂર્વ) મુન્નાભાઇ બાવળીયા સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી હતી. તેઓએ જણાવ્યું હતું કે કોળી સમાજે જ્ઞાતિના અને ભાજપના સેંકડો પ્રતિનિધિઓને ધારાસભા અને સંસદ સુધી પહોંચાડયા છે. ભાજપને કાયમ સમર્થન આપ્યું છે. પરંતુ નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જ્ઞાતિ પર કરેલી ટીપ્પણીથી સમાજની લાગણી દુભાય છે. જ્ઞાતિ દ્વારા પાર્ટી પાસે કોઇ અપેક્ષા રાખવામાં આવતી નથી અને મજુરી કરીને પેટ ભરતો સમાજ કયારેય હાથ ફેલાવતો નથી.

આ સંજોગોમાં ક્ષત્રિય બાદ ભાજપના નેતાએ કોળી જ્ઞાતિનું અપમાન કર્યુ છે. જ્ઞાતિઓના અપમાનનું જાણે લીસ્ટ બનાવ્યું હોય તેવું લાગે છે. આથી કનુભાઇ દેસાઇ માફી માંગે અને ભાજપ તેના પર કડક પગલા લે તે જરૂરી છે. કોળી સમાજના મતદારો ભાજપને જીતાડવા તડકામાં મત આપવા તૈયાર હોય છે. તો અપમાન બદલ મતદાનના દિવસે સવારથી જય ભવાની અને જય માંધાતાના સુત્રો સાથે ભાજપના ઉમેદવારને હરાવવા પણ તૈયાર થઇ જશે તેવું જાહેર કર્યુ હતું.

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે નિવેદન આપ્યું તે બાદ હવે ભાજપના બીજા એક નેતાનો વાણીવિલાસ સામે આવ્યો છે. કનુભાઈ દેસાઇનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ કોળી સમાજને લઈને વાણીવિલાસ કરી રહ્યા છે. હવે આ બધાની વચ્ચે કોળી સમાજને લઈને કનુભાઈ દેસાઇએ નવસારીમાં જે વાણીવિલાસ કર્યો ત્યારબાદ કોળી સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. કોળી સમાજના લોકો રોષે ભરાયા છે અને કહી રહ્યા છે કે આ નિવેદનને લઈને હવે કનુભાઈ દેસાઇએ કોળી સમાજની માફી માંગવી પડશે. નહીં તો રાજીનામું આપવું પડશે.

ગઢડામાં હવન
બીજી તરફ ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં કોળી સમાજના યુવાનો દ્વારા હવન કરી અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજ વિરૂદ્ધ કરેલ બફાટ ના વિરોધમાં હવન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. માતાજી કનુભાઈ દેસાઈને સદબુદ્ધિ આપે તે માટે હવન કરી યુવાનો દ્વારા કનુ દેસાઈ હાય હાયના નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા. ભાજપ મોવડી મંડળ દ્વારા તાત્કાલિક કનુ દેસાઈ વિરુદ્ધ પગલા ભરવા કોળી સમાજના યુવાનોએ માંગ કરી છે.

આ સમાચારને શેર કરો