skip to content

ખોડલધામમાં પાઘડી ઉતારી પાટીદારોનો આભાર માનતા ક્ષત્રિય આગેવાનો

રૂપાલાએ પાટીદાર-ક્ષત્રિય સમાજને એક કર્યા, ધર્મરથની ખોડલધામમા પૂર્ણાહુતિ, આંદોલન યથાવત રાખવાની જાહેરાત

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ધારાસભ્ય પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદસ્પદ ટિપ્પણી બાદશરૂ થયેલ આંદોલન હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યુ છે અને ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ કરાયેલ ‘ધર્મરથ’નું ગઇકાલે સાંજે ખોડલધામ કાગવડ ખાતે સમાપ્ત થયુ હતુ. ત્યારે ખોડલધામ ટ્રસ્ટીઓ દ્વારા ક્ષત્રિય સમાજનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રાજપૂત સમાજના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી.જાડેજાએ પાટીદાર અને ક્ષત્રિય સમાજના એક થવા બદલ પાઘડી ઉતારી પાટીદારનો આભાર માન્યો હતો

રાજપૂત ક્ષત્રિય સમાજનો ધર્મરથ કાગવડ શ્રી ખોડલધામ મંદિરે પહોંચ્યો હતો. જ્યાં સંકલન સમીતાના પી.ટી.જાડેજા, ગાયત્રી બા વાઘેલા સહિતના મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ધર્મરથ સાથે હાજર રહ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ હાર અને ખેસ પહેરાવીને ધર્મરથનું સ્વાગત કર્યું હતું. 7 દીકરીઓના હસ્તે ધર્મરથને કંકુ તિલક કરી વધાવવામાં આવ્યા હતા. સંકલન સમિતિના ભાર્ગવી બા ગોહિલે જણાવ્યું હતું કે, પદ્મિનીબા વાળા અને અમે બધા સાથે જ છીએ. સમાજની વાત હોય ત્યાં ક્ષત્રિય સમાજ એક છે. વોર્ડ સમિતિ, ગામડા સમિતિ, તાલુકા સમિતિને સૂચના આપી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ખૂબ જ શિસ્ત સાથે તેમને જગ્યા આપવાની છે. સભામાં વિરોધ કરવાનો નથી.

મર્યાદા રાખવીએ ક્ષત્રિયનો ગુણધર્મ છે. રાજપૂત સમાજના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી.જાડેજાએ જણાવ્યું હતું કે, નવ દિવસથી રાજપૂત સમાજનો રથ ગામે ગામ ફરી રહ્યો છે. આજે મા ખોડલના ધામમાં રથયાત્રાની પૂર્ણાહુતિ થઈ છે. 500 જેટલી ગાડીઓ સાથે આખો ક્ષત્રિય સમાજ આવ્યો છે. પાટીદાર સમાજે અમારું સન્માન કર્યું તે ખૂબ જ અદ્ભુત સન્માન હતું. આજ પાટીદાર સમાજનો પ્રેમ છે. પાટીદાર સમાજ અમારી સાથે છે. પરશોત્તમ રૂૂપાલાએ પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજને એક કર્યા છે.

આ સમાચારને શેર કરો