Placeholder canvas

જેતલસર સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં SITની રચના કરાઇ

રાજકોટ: જેતલસરની સગીરા સૃષ્ટિ રૈયાણીના હત્યારાને કડકમાં કડક સજા મળે તેવી લોક માંગ ઉઠી રહી છે ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ પણ કેસને વધુ મજબૂત બનાવવા સઘન પ્રયાસ કરી રહી છે. સરકારના આદેશ બાદ આ કેસમાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના સુપર વિઝન હેઠળ તપાસ થઇ રહી છે.

ત્યારે આવતીકાલે આરોપી જયેશ ગીરધરભાઇ સરવૈયાના પાંચ દિવસના રિમાન્ડ પુર્ણ થાય છે ત્યારે આવતીકાલે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી ફરધર રિમાન્ડની માંગણી કરાશે. આ ઉપરાંત કેસની તલસ્પર્શી તપાસ થાય તે માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરાઇ છે અને તપાસ સ્થાનિક પોલીસ પાસેથી ક્રાઇમ બ્રાંચ પીઆઇ અજયસિંહ ગોહિલને તબદીલ કરાઇ છે.

એસઆઇટીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચ પીઆઇ અજયસિંહ ગોહિલ, મહિલા પીએસઆઇ કદાવલા, ક્રાઇમ બ્રાંચના રાઇટર રસીકભાઇ જમોડ, જેતપુર પોલીસના રાઇટર વિજયસિંહ જાડેજા, ગોંડલ પોલીસના રાઇટર હરેન્દ્રસિંહ જાડેજા, ઉપલેટા પોલીસના રાઇટર ભાવેશભાઇ અને એક મહિલા કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ એસઆઇટી એસપી બલરામ મીણાના સુપરવિઝન હેઠળ તેમજ જેતપુર વિભાગના એએસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ તપાસ કરશે.

આરોપી જયેશ સરવૈયાએ વિરપુરથી ખરીદેલી છરી કે જેનો હત્યામાં ઉપયોગ કર્યો હતો તે પોલીસે કબ્જે લીધી છે. આ ઉપરાંત વધુ મજબૂત પુરાવા એકત્ર કરી પોલીસ કેસને વધુ મજબૂત બનાવશે અને આરોપીને વધુમાં વધુ સજા મળે તે માટે પ્રયાસ કરશે.

આ પહેલા આરોપી જયારે ઝડપાયો ત્યારે તેની ધરપકડ બાદ રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે 12 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જો કે કોર્ટે પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતાં. આવતીકાલે તા.24ના રોજ આરોપીના રીમાન્ડ પૂણ થઇ રહ્યા છે. જો કે પોલીસને હજુ કેટલાક મુદ્દે તપાસ કરવાની જરૂરીયાત જણાતા આવતીકાલે આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ રીમાન્ડની માંગ કરાશે.

આ સમાચારને શેર કરો