Placeholder canvas

રાજકોટ: સદભાવના વૃધ્ધાશ્રમની દાતા જગદીશભાઈ શેઠે શુભેચ્છા મુલાકાત લઈ માતબર અનુદાન આપ્યુ.

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાધાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે.

આ વૃધ્ધાશ્રમમાં નાત–જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધો/વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતુ નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે.

ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ પપ૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે તેમાંથી ૧૮૦ વડીલો પથારીવશ (ડાઈપર વાળા) છે. સાવ પથારીવશ વ્યકિતઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળુ પણ કોઈ ન હોય, એકલવાયી–નિરાધાર હાલતમાં પોતાનુ જિવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યકિતઓ (કોઈપણ ઉંમરનાં) માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આવા પથારીવશ વ્યકિતઓ (કોઈપણ ઉંમરનાં)ને પણ સદભાવના વૃધ્ધાશ્રમ પોતાની ફરજનાં ભાગરૂપે નિઃશુલ્ક આશ્રય અપાઈ રહયો છે.

સદભાવના વૃધ્ધાશ્રમની  આદ્યશક્તિ   ચેરિટેબલ ટ્રસ્ટના જાણીતા દાતા જગદીશભાઈ શેઠે શુભેચ્છા મુલાકાત લઈ સદભાવના વૃધ્ધાશ્રમમાં વડીલોના ભોજન માટે વપરાતા આખા વર્ષનું તેલ અને ઘીનું રૂા. ૧૩,૦૧,૦૦૦/– રૂપીયાનુ માતબર અનુદાન આપેલ હતુ. જગદીશભાઈ શેઠની સરાહનીય સેવા બદલ સદભાવના વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી ધીરૂભાઈ કાનાબારે મોમેન્ટો આપીને તેમનું અભિવાદન કર્યુ  હતુ.

આ સમાચારને શેર કરો