Placeholder canvas

હવામાન પલ્ટો: વાંકાનેર, મોરબી અને રાજકોટમાં વરસાદનું ઝાપટુ

ચોમાસું ઋતુ વિદાય લઈ રહી છે ત્યારે ફરી હવામાનમાં બદલાવ સાથે સૌરાષ્ટ્ર-ગુજરાતનાં જીલ્લાઓમાં મેઘમહેર થઈ છે. ભાદરવા માસમાં અષાઢી માહોલ જામતા અનરાધાર વરસાદથી જળાશયો-ચેકડેમો છલકાયા હતા. બાદમાં આસો માસનાં પ્રારંભીક દિવસોમાં હવામાનમાં બદલાવ સાથે ફરી વરસાદ વરસી રહ્યો છે. આજે રાજકોટ, જુનાગઢ, મોરબી, કુતિયાણાનાં અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.

આજે સવારથી આકાશ સ્વચ્છ થતા ગરમી-બફારો અનુભવાયો હતો. બપોરે વાતાવરણમાં બદલાવ સાથે વાદળો છવાતા વરસાદ વરસ્યો હતો. આજે બપોરના દોઢથી બે વાગ્યાની વચ્ચે વાંકાનેર મોરબી અને રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા આ ઝાપટુ લગભગ 15 થી 20 મીનીટ સુધી વરસાદ વરસતા પાણી વહેતા થયા હતા. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

આજે બપોરે મહતમ તાપમાન 30.8 ડીગ્રી સાથે હવામાં 66 ટકા ભેજ નોંધાયો હતો. પવનની ગતિ મંદ રહી હતી. આજે વાંકાનેર ઉપરાંત રાજકોટ, મોરબી,કૂતિયાણા, જુનાગઢ, અને અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગે ચોમાસાની ઋતુએ વિદાય લીધી હોવાનો અણસાર આપી દીધો છે.તેવા સમયે ફરી વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતાં પાછોતરા વરસાદથી ખેતી પાકોને મોટુ નુકશાન થઈ રહ્યું છે. ખાસ કરીને મગફળીનાં પાથરા અને ઘાસચારો પલળતા મોટા નુકશાનથી ખેડુતોને આર્થિક ફટકો પડયો છે. આકાશમાં વાદળોની જમાવટ જોતા હજુ અનેક સ્થળોએ હળવો ભારે વરસાદ વરસે તેવુ લાગી રહ્યું છે.

આ સમાચારને શેર કરો