ખીજડીયા ખેરવા પંથકમાં એક થી દોઢ ઇંચ અને પીપળીયા રાજમાં અડધો પોણો ઈંચ વરસાદ
વાંકાનેરમાં આજના દિવસમાં 1.37 ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે મોસમનો કુલ વરસાદ અત્યાર સુધીમાં 7.59 ઈંચ વરસાદ પડ્યો છે.
વાંકાનેર: આજે સાંજના છ વાગ્યાની આસપાસ કુવાડવા તરફ ખૂબ અંધારું હતું અને લાગતું હતું કે એ દિશામાં આજે સારો એવો વરસાદ પડશે, ત્યારે મળેલી માહિતી મુજબ ખીજડીયા અને ખેરવા પંથકમાં અડધો થી પોણો કલાકમાં એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.
ખેરવા ગામેથી મળેલી માહિતી મુજબ અહીંયા સીમમાં ખેતરો બહાર પાણી નીકળી ગયા છે અને માર્ગોમાં અને વોકળામાં પાણી ચાલુ થઈ ગયા છે. એ જ રીતે ખીજડીયામાંથી પણ એવી માહિતી મળી છે કે ત્યાં પણ ગામની પશ્ચિમ દિશામાં આવેલી ઢુકળી વોકળીમાં પાણી આવ્યું છે અને ઘીયાવડના માર્ગમાં વોકળા જેમ પાણી જઈ રહ્યું છે. ખીજડીયા ગામમાં પણ આશરે દોઢ ઈંચ વરસાદ પડયો હોવાનો લોકોનો અંદાજ છે.
સિંધાવદરમાં વરસાદ ઓછો છે, પીપળીયા રાજ માંથી મળેલી માહિતી મુજબ ત્યાં અડધાથી કરીને પોણા જેટલો વરસાદ પડ્યો છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જોકે વાંકાનેર શહેરમાં પણ થોડીવાર વરસાદ આવ્યો હતો.
આજે વાંકાનેર કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતી મુજબ આજના દિવસમાં વાંકાનેરમાં 35 એમએમ એટલે કે 1.37 ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે કુલ મોસમનો કુલ વરસાદ અત્યાર સુધીમાં 193 એમએમ પડ્યો છે એટલે કે 7.59 ઈંચ વરસાદ પડ્યો છે.