Placeholder canvas

રાજકોટ: ન્યારી ડેમમાં ‘થાર’ જીપકાર લઈને નબીરાઓએ કર્યા સ્ટન્ટ !!

રાજકોટ: છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં સીનસપાટા મારવા માટે વિવિધ પ્રકારના સ્ટન્ટથી જીવ જોખમમાં મુકતાં નબીરાઓના વીડિયો તરખાટ મચાવી રહ્યા છે. આવો જ એક વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં તંત્રનો પ્રતિબંધ હોવા છતાં નબીરાઓ પોતાની લાખેણી કાર લઈને ન્યારી ડેમમાં ઘૂસી રહ્યા છે અને વચ્ચોવચ્ચ જઈને તેનો વીડિયો ઉતારી રહ્યા છે. જાણવા મળતી વિગતો પ્રમાણે ઈન્સ્ટાગ્રામ ઉપર અત્યારે એક વીડિયો જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં એક કાળા કલરની થાર જીપ લઈને ત્રણ જેટલા નબીરાઓ ન્યારી ડેમમાં જઈ રહ્યા છે. ડેમમાં ઘણે આગળ સુધી ગયા બાદ જીપને પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. માત્રને માત્ર ઈન્સ્ટાગ્રામ ઉપર પોતાનો વટ પડે અને ફોલોઅર્સને પોતાની લાઈફસ્ટાઈલના વરવાં દર્શન કરાવી શકાય તે માટે જ આ વીડિયો ઉતારવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે.

આશ્ચર્યની વાત એ છે કે વીડિયો વાયરલ થયો તેના એક દિવસ પહેલાં જ કલેક્ટર દ્વારા ડેમ, તળાવ, સરોવર નજીક બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરી હતી આમ છતાં તે અપીલ કે આદેશની નબીરાઓ ઉપર કોઈ જ અસર જોવા મળી ન હોય તેવી રીતે બિન્દાસ્ત બનીને ડેમમાં ઘૂસી રહ્યા છે અને ગાડી પરત લઈને બહાર આવી રહ્યા છે.

બીજી બાજુ કાંઠે ઉભેલા નબીરાઓના મીત્રો પાણીમાં ગયેલા લોકોએ જાણે કે મોટું તીર માર્યું હોય તેવી રીતે તાળીઓ વગાડતાં હોવાથી આ લોકોની હિંમતમાં વધારો થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ડેમના કાંઠે બીજી ગાડી પણ ઉભેલી છે જેના દરવાજા જોવા મળી રહ્યા નથી. વીડિયોને બે ભાગમાં બનાવવામાં આવ્યો છે જેના પ્રથમ ભાગમાં ગાડી પાણીમાંથી બહાર આવી રહેલી દેખાય છે.

જ્યારે બીજા ભાગમાં ઈન્સ્ટા આઈડીમાં થાર જીપ સહિતની અન્ય કાર સાથે લોકો ડેમના કાંઠે ઉભેલા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ વીડિયોમાં બેથી ત્રણ લોકોના ઈન્સ્ટાગ્રામ આઈડી પણ જોવા મળી રહ્યા છે જે પ્રમાણે 42 સેકન્ડના વીડિયો સતુ રાણા 77 અને ત્યારપછી આશિષ તન્ના અને મીરાજ અકબરી1 નામના આઈડી પરથી અપલોડ કરાયેલા વીડિયો જોઈ શકાય છે.

જુવો વિડીયો….

આ સમાચારને શેર કરો