Placeholder canvas

વાંકાનેર: ભાયાતી જાંબુડિયામાંથી ઝડપાયેલા એમડી ડ્રગ્સનો આરોપી ટાટા કંપનીનું ડુપ્લીકેટ યુરિયા પણ બનાવતો હતો !!

આરોપી વિરુદ્ધ કોપીરાઇટ્સ એકટ મુજબ વધુ એક ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકના ભાયાતી જાંબુડિયા ગામેથી મોરબી એલસીબી ટીમે રાજસ્થાની શખ્સને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા બાદ આ આરોપી વાહનોમાં વપરાતું ટાટા કંપનીનું DEF યુરિયા બનાવીને વેચતો હોવાનું તપાસમાં બહાર આવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આ આરોપી વિરુદ્ધ કોપીરાઇટ્સ એકટ મુજબ વધુ એક ફરિયાદ નોંધાઇ છે.

મળેલી માહિતી મુજબ ગત તા.8 જાન્યુઆરીના રોજ વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે આવેલ આદિત્યરાજ રીફેક્ટરીઝ નામના કારખાનાના કમ્પાઉન્ડમા આવેલી ઓફીસ કમ ઓરડીમાં મોરબી એલસીબી ટીમે દરોડો પાડી રાજસ્થાનના બાડમેર જિલ્લાના ઓમપ્રકાશ હનુમાનરામ ચૌધરી નામના શખ્સને મ્યાઉ મ્યાઉ નામે ઓળખાતા એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા બાદ ઓફિસની તલાસી લેતા ઓફિસમાથી વાહનોમાં ઉપયોગમાં લેવાતા ટાટા કંપનીના DEF યુરિયાની 99 ડોલ તેમજ સ્ટીકર સહિતની વસ્તુઓ મળી આવતા આ મામલે ટાટા કંપનીને જાણ કરવામાં આવી હતી.

દરમિયાન ટાટા કંપનીની ઓરીજીનલ પ્રોડક્ટના ડુપ્લીકેટ માલ બનાવવા અને વેચાણ મામલે ગઈકાલે કંપનીના ઓથોરાઈઝડ અધિકારી સુનિલભાઈ મહેન્દ્રભાઇ વોરા, રહે.ગાંધીનગર, સેકટર-4 દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી ઓમપ્રકાશ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ટાટા જેન્યુઇન DEF યુરિયાની 20 લીટર ક્ષમતાની 99 ડોલ કિંમત રૂપિયા 1,38,600 તેમજ ડોલ ઉપર લગાવવાના સ્ટીકર નંગ 234 સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કોપીરાઈટ એકટ તેમજ ટ્રેડ માર્ક એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો