Placeholder canvas

મોરબી: કિશોર ચીખલીયાને પ્રમુખ પદેથી નહિ હટાવાય તો ચૂંટણીમાં કોંગ્રેસના વફાદાર સૈનિકો નિષ્ક્રિય બની જશે.

મોરબી : સતાની ખુરશી માટે કોંગ્રેસમાં વારંવાર બળવા કરી પોતાની પત્નીને ભાજપમાં સામેલ કરાવનાર મોરબીના કિશોર ચીખલીયાને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવતા મોરબી કોંગ્રેસના પીઢ કાર્યકરોમા રોષ ફાટી નીકળ્યો છે. આજે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી પાર્ટીના દગાબાજ કિશોર ચીખલીયાને જો નહિ હટાવવામાં આવે તો આગામી લોકસભા ચૂંટણીમા મોરબી કોંગ્રેસના વફાદાર નિષ્ક્રિય બની જશે તેવી સ્પષ્ટ ચેતવણી આપી હતી.

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અગાઉ અનેક વખત કોંગ્રેસ સાથે દગા બાજી કરી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે અને કારોબારી ચેરમેન પદે બેસી ભાજપનો કેસરિયો ધારણ કરનાર કિશોર ચીખલીયાને બેસાડવામાં આવતા ગઈકાલે સાંજથી જ મોરબી કોંગ્રેસમાં રોષની આગ ફાટી નીકળી હતી. બીજી તરફ આજે મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી પ્રદેશ કોંગ્રેસના હોદેદારો સામે આક્રોશ ઠાલવ્યો હતો.

પત્રકાર પરિષદમાં જયંતીભાઈ જેરાજભાઈ પટેલે જણાવ્યું હતું કે, કિશોર ચીખલીયા અગાઉ અનેક વખત પક્ષ સાથે દગાબાજી કરનાર કિશોર ચીખલીયાના પત્ની હાલમાં ભાજપ સાથે જોડાયેલ છે અને જિલ્લા પંચાયતની સમિતિઓમાં પણ સ્થાન ધરાવે છે, ઉપરાંત ધારાસભા ચૂંટણી વખતે પણ પક્ષ વિરોધી પ્રવૃતિને કારણે કોંગ્રેસને માળીયા બેઠક ઓછા માર્જિનથી ગુમાવવી પડી હતી. અને એક વખત ભાજપમાં ભળી ગયા બાદ ફરી કોંગ્રેસમાં લેવામાં આવ્યા ત્યારે પણ મોરબી કોંગ્રેસના વફાદાર અગ્રણીઓએ દગાબાજને પક્ષમાં ન લેવા જણાવી તેમના કોંગ્રેસના આગમન સમયે પણ હાજર ન રહી વિરોધ કર્યો હતો.

વધુમાં હાલમાં મોરબી કોંગ્રેસના પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાની નિમણુંકને કોંગ્રેસ માટે આત્મઘાતી પગલું ગણાવી જયંતીભાઈ જેરાજભાઈ પટેલે ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય પીરજાદા વિરુદ્ધ પણ આક્ષેપો કરી કિશોર ચીખલીયાને કોંગ્રેસમાં લાવનાર આ બન્ને પૂર્વ ધારાસભ્યો અને કિશોર ચીખલીયા ક્યારેય કોંગ્રેસની બેઠકમાં હાજર રહ્યા ન હોવાનું જણાવ્યું હતું.

અંતમાં જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે જો કિશોર ચીખલીયાને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી નહિ હટાવવામાં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં અસર પડશે અને કોંગ્રેસના વફાદાર સૈનિકો નિષ્ક્રિય બની જશે. આજની પત્રકાર પરિષદમાં જયંતિ જેરાજ પટેલ સાથે મુકેશભાઈ ગામી, મહેશ રાજ્યગુરુ, કે.ડી. પડસુમબીયા, ટીનાભાઈ લોરીયા, અશ્વિનભાઈ વિડજા, ચેતન એરવાડિયા, પી.પી. બાવરવા, ધનજીભાઈ દલસાનિયા, કિશોરભાઈ ઉભડિયા, પ્રકાશભાઈ ઉભડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો