Placeholder canvas

મુદ્દા વગરની ચૂંટણીમાં રાજકીય પક્ષો મતદારોને ‘ભરોસો’ આપવામાં નિષ્ફળ !

શરૂઆતથી જ લાગતું હતું કે ચૂંટણી રસવિહીન રહેશે, : મતદાન ઘટવાની શરૂઆતથી જ આશંકા હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકોમાં ગઇકાલે પૂરા થયેલા મતદાને રાજકીય પક્ષોની અને ઉમેદવારોની ઉંઘ ઉડાડી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં એકાદ અપવાદને બાદ કરતા જે ઓછુ મતદાન થયું તેનાથી સૌથી વધુ ચિંતા ભાજપને થઇ હોવાના સંકેત છે.

એક તરફ રાજ્યમાં પ્રથમ વખત ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો હતો અને તેથી દરેક રાજકીય પક્ષો અને ઉમેદવારો એડીચોટીનું જોર લગાવીને ચૂંટણીમાં ઉતરશે અને લોકો પણ તેમાં જોડાશે તેવી જે અપેક્ષા રખાતી હતી. આખી ચૂંટણીમાં ક્યારેય વાતાવરણ જામ્યું જ નહીં..!! આ સમગ્ર ચૂંટણી કોઇ મુદ્દા વગર તથા આક્ષેપબાજી અને ‘ઇમોશનલ અત્યાચાર’ જેવી બનાવી દેવામાં આવી હતી.

ટીકીટ વહેંચણીના મુદ્દે જે અસંતોષ અને વિરોધ સર્જાયો તેના કારણે કમીટેડ પરંતુ અસંતુષ્ટ બનેલા નેતાઓ અને કાર્યકર્તાઓએ મતદાન માટે પૂરુ જોર લગાવ્યું નહીં અને તેમના ટેકેદારોને પણ મતદાન માટે આક્રમક બનાવ્યા નહીં તેનાથી હવે કેટલીક બેઠકોના ગણીત ખોરવાયાની સાથે અણધાર્યા પરિણામો આવવાની શક્યતા નકારાતી નથી.2017માં જ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફાયદો થયો હતો તે સમયે ઉંચુ મતદાન હતું અને આ ચૂંટણીમાં નીચા મતદાનમાં પણ ત્રણ પક્ષોને ભાગ પાડવાનો છે.

મતદારોની નારાજગી
વાસ્તવમાં ગુજરાતની આ ચૂંટણીને સ્થાનિક સ્તરે અને સ્થાનિક મુદ્દાઓને બદલે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર કેન્દ્રીત કરીને એન્ટીઇન્કમબન્સી ખાળવાનો ભાજપે પ્રયાસ કર્યો તે બૂમરેંગ થયો હોય તેવી શક્યતા છે. મોંઘવારી માટે યુક્રેન અને રશિયા યુધ્ધને જવાબદાર ગણાવી પ્રશ્ર્નને ઉડાળી દેવાના સતત પ્રયાસ થયો તો અયોધ્યા રામમંદિર અને કલમ 370ની નાબૂદી જેવા મુદ્દાઓના આધારે ભાજપે સ્થાનિક પ્રશ્ર્નોને નજરઅંદાજ કર્યા અને ડબલ એન્જીન સરકારની વાતો પરંતુ મોંઘવારીના ડબલ ડોઝ જેવા મુદ્દાઓને ભુલાવી દેવાયા.

જ્યારે વિપક્ષમાં કોઇ એવો ચહેરો ન નીકળ્યો કે જેને લોકો વિકલ્પ તરીકે પણ સ્વીકારી શકે. કોંગ્રેસ સતત લોકોના અવિશ્ર્વાસથી પીડાય રહી છે. જીતી ગયા પછી પણ પક્ષાંતર નહીં થાય તેની કોઇ ગેરંટી નથી અને તેથી કોંગ્રેસને મત આપીને વેડફવા જેવી સ્થિતિ બની ગઇ હતી તો આમ આદમી પાર્ટી એક પ્રારંભીક વિકલ્પ તરીકે લોકો વિચારતા હતા પરંતુ બાદમાં ઉમેદવારો પસંદગી સહિતના મુદ્દે જનતાની લાગણીનો પડઘો આ પક્ષ પાડી શક્યો નહીં તેથી મતદારોએ ત્રીજા વિકલ્પ માટે પણ મતદાન ન કર્યું તેવું માનવુ અસ્થાને નથી.

મતદારોને આકર્ષી શકાયા નહીં
વાસ્તવમાં આ ચૂંટણીમાં કોઇ રાજકીય પક્ષો પાસે સીધી અસર કરે તેવા મુદ્દાઓ ન હતા. લોકોને મોંઘવારીમાંથી, બેરોજગારીમાંથી અને કાયદા-વ્યવસ્થાની સ્થિતિમાં જે નબળી કડી છે તેની સામે સુરક્ષા જોઇતી હતી તો બીજી તરફ પેપરલીક સહિતના પ્રકરણોમાં સરકારે જે રીતે સમસ્યાના મૂળમાં જવાને બદલે થોડા લોકોને પકડીને આખુ પ્રકરણ શાંત કરવા પ્રયત્ન કર્યો તે લોકો ભૂલ્યા નથી અને તેના કારણે વર્તમાન શાસનમાં ભરોસો ઘટ્યો છે તે નિશ્ચિત છે.

કોંગ્રેસ પક્ષએ પણ નક્કર મુદ્દાઓથી લોકો સમક્ષ જવાને બદલે રેવડી કલ્ચર અપનાવ્યું અને તે પણ કોંગ્રેસ પક્ષ પુરા કરી શકશે નહીં તે લોકોને પૂરો ભરોસો હતો તેના કારણે કોંગ્રેસ પક્ષના કમીટેડથી વધારે મતદારો ન નીકળ્યા હોય તેવું માની શકાય છે. જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હી મોડલ પુરતી સીમીત રહી પરંતુ ગુજરાત એ અલગ તાસીર ધરાવતુ રાજ્ય છે અને ફક્ત એક જ વ્યક્તિના પ્રચાર પર સંગઠન વગર આખા પક્ષને ઉંચકવો અશક્ય છે.

કેજરીવાલ ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચ્યા પણ ઉમેદવારો પહોંચી ન શકયા તે મુદો પણ ઓછા મતદાનમાં કારણ બની ગયો છે તો ભાજપે ફક્ત પ્રોપેગન્ડાના આધારે ચૂંટણી જીતવાનો પ્રયાસ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી લોકપ્રિય છે પરંતુ તેનો સતત ઉપયોગ અને તે પણ જે રીતે ટીવી અને અન્ય માધ્યમોથી લોકો સમક્ષ આવી તેથી તેની અસરકારકતા ઓછી થઇ રહી છે તે પણ નિશ્ર્ચિત છે.

હવે જોઈએ ગુજરાતના મતદારોનો મત 8મી ડિસેમ્બરે શુ જાહેર થાય છે. પરિણામ ધરણાથી કંઈક અલગ આવે તો નવાઈ ન પામવું….!!!

આ સમાચારને શેર કરો