Placeholder canvas

ગુજરાતમાં તા. 22મી બાદ ગમે ત્યારે વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.

ડિફેન્સ એક્સ્પોની પૂર્ણાહુતિ સાથે જ ચૂંટણી પંચ મોરચો સંભાળી લેશે.

ગુજરાતમાં હવે એક તરફ ભારતીય જનતા પક્ષે ચૂંટણીની જાહેરાત પૂર્વે વડાપ્રધાન તથા કેન્દ્રીય મંત્રીઓના સતાવાર પ્રવાસો વધવા લાગ્યા છે અને તા. 22ના રોજ રાજ્યમાં જે ડિફેન્સ એક્સ્પો સંપન્ન થાય તે બાદ ગમે ત્યારે ધારાસભા ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. હવે આગામી એક પખવાડિયામાં વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના વરિષ્ઠ નેતાઓના રાજ્યના પ્રવાસોમાં થઇ રહેલા સતત વધારા બાદ દિવાળી પહેલા જ ચૂંટણીની જાહેરાત થઇ જાય તેવા સંકેત છે.

ભાજપ પણ હવે તેના ભરતી મેળામાં ઝડપ કરી છે અને રાજ્ય સરકાર પણ અનેક જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરી રહી છે અને દિવાળી પૂર્વે ગરીબ કલ્યાણ મેળાથી લાભાર્થીઓને રોકડ અને અન્ય સહાયો આપવામાં આવશે. ત્યારબાદ તા. 23થી ચૂંટણી જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરુ થઇ જાય તેવી શક્યતા છે.

ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા પણ તા. 12 અને 13 બાદ તા. 20 સુધી ચાલશે. તા. 17ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તા. 19નો રાજકોટ પ્રવાસ એ ચૂંટણી પહેલાનો અંતિમ સતાવાર પ્રવાસ બની રહે તેવું માનવામાં આવે છે અને ત્યારબાદ દિવાળીના તહેવારો અને નવા વર્ષના પ્રારંભ બાદ તા. 26ના રોજ ચૂંટણીની જાહેરાત થઇ શકે છે.

રાજ્ય સરકારે પણ હાલમાં જ તમામ વિભાગોને જે કાંઇ પેન્ડીંગ હોય તે તમામ સતાવાર કામો એક પખવાડિયામાં કરવા જણાવાયું છે અને તેથી જ સમગ્ર તંત્ર પણ હવે ચૂંટણી મોડમાં આવી ગયું છે.

આ સમાચારને શેર કરો