Placeholder canvas

‘રાણો રાણાની રીતે’ ફેમ દેવાયત ખવડ પોપટ બનીને ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થઈ ગયો.

લોક કલાકાર દેવાયત ખવડ લોકોમાં કળા પીરસવાની સાથે લોકોને ત્રાસ આપતો હતો અને ધોકા પાઇપ સળિયા વડે લોકો પર હુમલા કરતો થયો હતો.

રાજકોટમાં 7 ડિસેમ્બરના રોજ ‘રાણો રાણાની રીતે’ ફેમ લોકકલાકાર દેવાયત ખવડ સહિત બે શખસે બિલ્ડર પર પાઇપથી હિચકારો હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસ ફરિયાદમાં દેવાયત ખવડ છેલ્લા 10 દિવસથી પોલીસ પકડથી દૂર હતો. ત્યારે હુમલાનો ભોગ બનેલા બિલ્ડર મયૂરસિંહ રાણાએ હવે ન્યાય માટે સીધી જ PMOમાં લેખિત ફરિયાદ કરતા દેવાયત ખવડને પણ રેલો આવ્યો અને સુ સુ થઈ જતા સીધો ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવા દોડી આવ્યો છે. દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થતા એ ડિવિઝન પોલીસ પણ તેમનો કબ્જો લેવા પહોંચી ગઈ છે. મયૂરસિંહે ફરિયાદમાં પોલીસ કાર્યવાહી ન થતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. PMOમાં કરેલી ફરિયાદમાં 2021માં ઘટેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમજ PMO સુધી મયૂરસિંહ રાણાએ આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માગ કરી છે.

દેવાયતની ગુનાહિત હિસ્ટ્રી…
પોલીસ પકડે નહીં એ માટે દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ આ જામીન ન આપવા પોલીસ દ્વારા સોગંદનામું પણ કરવામાં આવ્યું છે. સોગંદનામામાં પોલીસે દેવાયતની ગુનાહિત કુંડળનો ઉલ્લેખ કર્યો છે. દેવાયત ખવડ સામે 3 જેટલા ગુના નોંધાયા હોવાનો સોગંદનામામાં પણ ઉલ્લેખ છે. જેમાં 2015માં ચોટીલામાં મારામારીના ગુનામાં દેવાયત ખવડ વિરુદ્ધ IPC કલમ 325 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ 2015માં મૂળી પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. 2017માં સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. દેવાયત ખવડે કરેલી આગોતરા જામીન અરજીની આવતીકાલે સુનાવણી થશે.

ક્ષત્રિય સમાજ સત્યાગ્રહ પર બેસવાની તૈયારી કરતો
હુમલાની ઘટનાનો આજે 10મો દિવસ છે અને દેવાયત ખવડ સામેથી ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો છે. ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો. ગઇકાલે ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ઊમટી પડ્યા હતા અને દેવાયત ખવડને પકડવા માગ કરી હતી. તેમજ ક્ષત્રિય આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમે સત્યાગ્રહ પર બેસવા વિચારી રહ્યા છીએ.

દેવેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે મયૂરસિંહ ઉપર હુમલો થયો એને આટલા બધા દિવસો વીતી ગયા પણ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેથી અમે ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા છીએ. તેમની ધરપકડ થાય અને તેમની વિરુદ્ધ જે કાર્યવાહી થતી હોય એ કરવામાં આવે એેવી માગ કરી હતી. જો આવી ને આવી પ્રવૃત્તિ રાજકોટમાં ચાલતી રહી તો બધાને મોકો મળશે અને કાયદો હાથમાં લેશે. લોકો ગેરકાયદે પ્રવૃત્તિ કરતા રહેશે અને તેમને પ્રોત્સાહન મળશે એવું અમને દેખાઇ છે.

આ સમાચારને શેર કરો