Placeholder canvas

સુરેન્દ્રનગરની રુવાંટાં ઊભા કરી દેતી કહાણી: નરાધમે મૃતદેહ બહાર કાઢી હેવાનિયતની હદ પાર કરી…

સુરેન્દ્રનગરના થાનગઢમાં માનવતાને શર્મસાર અને રાક્ષસોને પણ શરમાવે તેવી આ રૂંવાટા ઉભા કરી દેતી કહાણી સામે આવી છે. હૃદયમાં કાણા સાથે જન્મેલી માસૂમનું મોત થતા દફનવિધી કરાઈ હતી. જ્યારે બીજા દિવસે જ આ માસૂમની ડેડબોડી અસ્ત વ્યસ્ત હાલતમાં મળી આવી હતી. તેના મૃતદેહને બહાર કાઢી નરાધમે હેવાનીયતની હદ પાર કરી હતી.

સુરેન્દ્રનગરના થાનગઢ શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની દોઢ વર્ષની મૃત બાળકી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો હતો. દફન કરેલી મૃત બાળકીના મૃતદેહને થાન હોસ્પિટલ ખાતે લાવતા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. જેને લઈ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બાદમાં બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે હાલ રાજકોટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

થાનગઢની દોઢ વર્ષની બાળકીને જન્મથી હૃદયમાં કાણુ હોય તારીખ 25 ફેબ્રુઆરીના રોજ સારવાર અર્થે થાન સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ત્યારે બાળકીનું મૃત્યુ થતાં દફનવિધી કરવામાં આવી હતી જે બાદ બાળકીનો મૃતદેહ અસ્ત વ્યસ્ત હાલતમાં મળી આવતા પરિવારજનોએ પોલીસ અને થાન સરકારી હોસ્પિટલને જાણ કરી હતી. તેમજ પરિવારજનોએ બાળકી સાથે દૂષ્કર્મ થયું હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ મૃત બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે અને પોલીસ બેડામાં પણ હડકંપ મચ્યો છે.

પરિવારજનોએ જણાવ્યું કે, દીકરીની દફનવિધી કરવામાં આવ્યાના બીજા દિવસે ગામના એક વ્યક્તિ સમશાન પાસે પક્ષીઓને ચણ નાખવા ગયો હતો. ત્યારે તેના ધ્યાનમાં આવ્યું હતું કે, આ બાળકીની લાશ કોઈ આવારાતત્વોએ બહાર કાઢી હતી. તેમજ અસ્ત વ્યસ્ત હાલતમાં ડેડ બોડી મળી આવી હતી જેથી પ્રથમ દ્દષ્ટિએ આ બાળકી સાથે કોઈ અજુગતો બનાવ થયો હતો. જેથી પોલીસ સ્ટેશને જતા પોલીસે અરજી આપવાની વાત કહી હતી. જોકે, અમને ગંભીરતા દેખાતા બહેનોએ બાળકીની ડેડબોડીને ચેકઅપ કરતા આ બાળકી સાથે દૂષ્કર્મ થયો હોય તેવું જણાયું હતું. જેથી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ડેડબોડી લઈ થાનગઢની આરોગ્ય કેન્દ્રમાં રજૂ કરતા ડોક્ટરે જણાવ્યું કે, તેના પ્રાઈવેટ પાર્ટ સાથે છેડછાડ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. જે બાદ ડેડબોડીને રાજકોટ લઈ જવામાં આવી છે. સમશાનમાં ડેડબોડી સાથે પણ આ પ્રકારની ઘટના બને છે તેમ છતાં થાનગઢની પોલીસને આ બાબતની ગંભીરતા નથી. અમારી માંગણી છે કે, જે પણ આવારા તત્વો છે તેને ઝડપી લઈ અને તપાસ કરવામાં આવે.

પીએમ રીપોર્ટમાં શું આવ્યું?

બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જ્યા ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રીપોર્ટ આવતા નવો જ ખુલાસો થયો હતો. જેમાં બાળકી સાથે દુષ્કર્મ ન થયું હોવાનું સામે આવ્યું હતું. તેમજ બાળકીને કોઇ ઇજાના નિશાન પણ જોવા મળ્યાં ન હતા. જો કે, મૃતદેહ સાથે છેડછાડ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. મૃતદેહ કોને બહાર કાઢ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો