રાજકોટ પોલીસ કમિશ્નર સામેના આક્ષેપોને રાજયમંત્રી અરવિંદ રૈયાણીનું સમર્થન
રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તથા સાંસદ રામભાઈ મોકરીયાએ ફોડેલી તોપ ના પડઘા એક તરફ ગાંધીનગરમાં પડયા છે અને તપાસના આદેશ થયા છે તે વચ્ચે રાજકોટના વધુ એક ધારાસભ્ય તથા રાજયના મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ પણ ગોવિંદભાઈ પટેલના સુરમાં સુર પુરાવીને આઠ દિવસ પહેલા જ ગૃહ રાજયમંત્રીને આ અંગે કડક પગલા લેવાની રજુઆત કરવામાં આવી હતી તેવું જણાવ્યું હતું. રૈયાણીએ કહ્યું કે અમારા સીનીયર ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જે આક્ષેપ કર્યા છે તે તથ્ય છે અને પોલીસ કમિશ્નર પર ભ્રષ્ટાચારના આરોપો છે તે તેમાં વાસ્તવિકતા છે અને હવે તેની તપાસ થશે તે પણ નિશ્ચીત છે.
તેમણે જણાવ્યું કે રાજય સરકાર આ પ્રકારના કોઈપણ આક્ષેપની પુરી ગંભીરતાથી તપાસ કરાશે તેવી અમને ખાતરી અપાઈ છે. આમ રાજકોટના ચાર ધારાસભ્યોમાંથી બે ધારાસભ્યો અને રાજકોટ સ્થિત બે સાંસદોમાંથી એક સાંસદે પોલીસ કમિશ્નર પરના આરોપો મુકયા છે જયારે બીજી તરફ સાંસદ મોહનભાઈ પટેલ તથા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ હજુ મૌન સેવ્યુ છે અને રાજકોટ શહેર ભાજપમાંથી પણ કોઈ પ્રતિભાવ આવ્યો નથી તે પણ સૂચક છે. બીજી તરફ હવે આ પ્રકરણમાં તપાસનો ધમધમાટ ગાંધીનગર કેન્દ્રીત હશે અને ટુંક સમયમાં તેમાં નવા ધડાકા થશે. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસની ખંડણીનો ભોગ બનેલા અનેક લોકો પણ આ પ્રકારે ફરિયાદ કરવા આવી શકે છે.