રાજયમાં પોલીસ કમિશ્નર કક્ષાના અધિકારી સામે તપાસની પ્રથમ ઘટના

પદાધિકારીઓની લડાઈમાં મારો કોઈ રોલ નહી: પોલીસ કમિશ્નરના વિધાનોથી વિવાદને રાજકીય વળાંક
રાજકોટ : પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામેના આક્ષેપોમાં હવે ગાંધીનગરમાં ઉચ્ચ કક્ષાની તપાસ નિશ્ર્ચિત થતા જ થોડા દિવસમાં અનેક નવા ધડાકા ભડાકા થશે. રાજય સરકારે પોલીસ ભરતી સહિતની કામગીરીમાં અત્યંત નિષ્ઠાવાન અને પ્રમાણીક પોલીસ અધિકારી તરીકે જાણીતા વિકાસ સહાય ને તપાસ સોંપી છે. ગૃહ સચીવે પણ આગામી ત્રણ દિવસમાં આ તપાસ પુરી થશે અને રાજયના પોલીસ વડાને રિપોર્ટ અપાશે. તે બાદ સરકાર એકશન લઈ શકે છે.
પરંતુ ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ જે રીતે પોલીસ વડા સામેના આક્ષેપો એ ખુલ્લી ખિતાબ જેવા છે અને અગાઉના પ્રકરણોમાં તેને સમર્થન મળી ગયું છે. તે સમયે આઈપીએસ ઓફીસરોમાં પણ એક નવો ઉચ્ચાર સર્જાયો છે અને રાજકોટની આગ અન્ય જીલ્લાઓમાં ન લાગે તેની પણ ચિંતા આ અધિકારીઓમાં થઈ છે. રાજયમાં કોઈપણ પોલીસ કમિશ્નર કક્ષાના અધિકારી સામે આટલા મજબૂત આક્ષેપ થયા હોય તેવી પ્રથમ ઘટના છે અને તે પણ શાસક પક્ષના ધારાસભ્યો અને સાંસદોએ કર્યા છે તેથી સરકાર માટે સત્ય શોધવું ફરજીયાત બની ગયું છે
બીજી તરફ ગઈકાલે આ અંગે પોલીસ કમિશ્નરે એક એવો પ્રતિભાવ આપ્યો હતો કે પદાધિકારીઓની લડાઈમાં મારો કોઈ રોલ નહી તેવું વિધાન કરીને ભાજપમાં અને જાહેરમાં અત્યાર સુધી જે ચર્ચા હતી તેને પણ વેગ આપી દીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની સરકાર સમયના આક્ષેપો છે અને પોલીસ કમિશ્નર તે સરકારની નજીક ગણાતા હતા જયારે હવે નેતૃત્વ બદલાતા તેઓ ટાર્ગેટ બન્યા છે તેવું આડકતરી રીતે તેઓએ જણાવ્યું હતું અને તેથી ચર્ચા એ છે કે તેઓ આ પ્રકારના વિધાનો કરીને આ લડાઈને ખુલ્લામાં લાવવા માંગે છે અને તે પણ વધુ ગંભીર બાબત હોવાનું ગાંધીનગરમાં નોંધમાં લેવાશે.
