Placeholder canvas

રાજકોટ:મોતનું તાંડવ,સ્મશાનો પછી મનપાએ શબવાહિની વધારી

  • સારવારની સુવિધાની તીવ્ર અછત વચ્ચે રોજ 100થી વધુના મોત
  • સરકારી ચોપડે બે દિવસમાં 113ના મોત પણ અગ્નિદાહ 200થી વધારે

અંતિમવિધિ માટે પણ કલાકોનો ઈંતજાર

રાજકોટ : રાજકોટમાં એક તરફ કોરોના પોઝીટીવ આવતા ૬૦ ટકા જેટલા દર્દીઓને હોસ્પિટલાઈઝ્ડ કરવા પડે એવો ઘાતક નવો સ્ટ્રેન તરખાટ મચાવી રહ્યો છે અને બીજી તરફ ટેસ્ટ કિટ, ઓક્સીજન, ઈન્જેક્શનો , હોસ્પિટલમાં બેડ વગેરેની તંગી વચ્ચે સમયસર સારવારના અભાવે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. તંત્ર મોતને તો અટકાવી શકતું નથી પરંતુ, સ્મશાનોએ લાંબી કતારોને ઓછી કરવા મનપાએ નવા સ્મશાનો વધાર્યા બાદ આજે મૃતદેહ લાવવા તાકીદે પાંચ શબવાહિનીઓની વ્યવસ્થા કરવામાં આવ્યાનું મેયરે જણાવ્યું છે.

હાલ કોરોનાથી મૃત્યુ દરમાં વધારો થઈ રહ્યો છે, અવસાન પામનાર દર્દીના પરિવારજનોની પીડા અન્વયે હોમ આઈસોલેશન કે પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓના મૃત્યુના કેસમાં અંતિમવિધિમાં પરેશાની ન થાય તે માટે આજે ડ્રાઈવર,હેલ્પર સાથે પાંચ નવી શબવાહિની મનપામાં શરુ કરાઈ છે તેમ મેયર પ્રદિપ ડવે જણાવ્યું હતું. હાલ કૂલ ૧૮ શબવાહિનીમાં ૧૩ શબવાહિની કોવિડ ડેથ માટે અનામત રખાઈ છે. શહેરમાં ૫ ઈલેક્ટ્રીક સહિત ૫૩ ખાટલા (ચિતા) ધરાવતા ૭ સ્મશાનો કોવિડ માટે રિઝર્વ્ડ રાખ્યા છે, ન્યારી ડેમ ,રામનાથપરામાં નવા સ્મશાનો શરુ કરવા સાથે ૧૧ સ્થળે કોવિડ સિવાયના મૃત્યુની અંતિમવિધિની વ્યવસ્થા કરાઈ છે.

રાજકોટમાં કોરોના અને તેની અસરથી ગુરુવારે ૭૩, ગઈકાલે ૫૧ અને આજે ૬૨ના મોત સરકારી ચોપડે જાહેર થયા છે. સરકારના રિપોર્ટ મૂજબ બે દિવસમાં ૧૧૩ અને ત્રણ દિવસમાં ૧૮૬ મોત નોંધાયા છે પરંતુ, શહેરના સ્મશાનગૃહોમાં ગત ચોવીસ કલાકમાં ૨૦૦થી વધુ અગ્નિદાહ દેવાયા છે. જે અંગે તંત્રે જણાવ્યું કે બહારગામથી સારવાર માટે રાજકોટ આવનારા દર્દીઓનું મૃત્યુ થાય તો પણ અહીં જ અંતિમવિધિ કરાય છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો