Placeholder canvas

રાજકોટમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 28 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત.

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે. શહેરની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા મૂળ સુરત જિલ્લાના 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિને હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું.

કલ્પેશ વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ચરના કોર્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે સાંજે કોલેજથી છૂટી રહ્યો હતો એ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

મૂળ બારડોલીના અને હાલ છેલ્લા ચાર વર્ષથી રાજકોટમાં રહી કાલાવડ રોડ પર આવેલ VVP એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા પ્રથમ સોડા પીધી હતી. બાદમાં તેમને મિત્રને ફોન કરી હોસ્પિટલ જવા જાણ કરી હતી. જે બાદ મિત્ર તેમને 108 મારફત હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ તેણે દમ તોડી દીધો હતો અને મોત નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કોલેજ સંચાલકોને તેમજ તેના પરિવારજનોને કરવામાં આવી હતી.

આટલું જાણવું જરૂરી છે….

હાર્ટ એટેક આવે તે પહેલાના સંકેતો

  • અચાનક બહુ જ ગરમી લાગવી અને પરસેવો વળવો.
  • જોર જોરથી નસકોરા બોલવા. ઘણીવાર ઊંઘ તૂટવી.
  • છાતી પર દબાણ લાગવું. છાતી પર કોઇએ અચાનક જ ભાર મૂકી દીધો તેવું ફીલ થવા લાગે.
  • માથુ, પેટનો ઉપરનો ભાગ, પીઠ, ડાબો હાથ, ગરદન કે દાંતમાં કોઇ પણ કારણ વિના સતત દર્દ અનુભવાય.
  • ડાબી તરફથી પાંસળીઓની આસપાસ અથવા છાતીના વચ્ચેના ભાગમાં દુઃખાવો થવો અને બાદમાં આપમેળે દુઃખાવો બંધ થઇ જવો.
  • છાતીમાં અથવા પીઠના ઉપરના ભાગમાં સતત દબાણ થતું હોવાનો અહેસાસ થવો.

હાર્ટએટેકના લક્ષણો
બેચેની થવી, બન્ને હાથમાં દુખાવો થવો, જડબુ, ગળા કે પીઠમાં દુખાવો થવો, મન અશાંત રહે અને ચક્કર આવે, સતત પરસેવો થવો આ બધા હાર્ટ એટેક આવવાના લક્ષણો છે. જો આવું કઈ પણ થાય તો નજીકની હોસ્પિટલ કે આરોગ્ય સેન્ટરમાં જઈને ફરજિયાત ECG કરાવવું જોઈએ.

આ સમાચારને શેર કરો