Placeholder canvas

ચોટીલા મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના ષડયંત્રકારને 10-10 વર્ષની સજા

ચોટીલા મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના ષડયંત્રકાર રામોડિયા બંધુને 10-10 વર્ષની સખત કેદની સજા થઈ છે. ગુજરાતમાં આઈએસઆઈએસના આતંકવાદીઓને સજા થયાનો પ્રથમ કિસ્સો છે. સ્પેશિયલ એનઆઈએ કોર્ટે ચુકાદો આપ્યો છે. રાજકોટ નહેરુનગરમાં રહેતા વસીમ અને નઈમ ભાવનગરથી ઝડપાયા હતા, આઈએસઆઈએસની તાલીમ લેવા બન્ને ભાઈઓની સિરિયા જવાની ઈચ્છા હતી. જોકે તે પહેલા જ ગુજરાત એટીએસએ બન્ને ભાઈઓને પુરાવા સાથે ઝડપી લીધા હતા.

આ અંગેના કેસની વિગત મુજબ સ્પેશિયલ એનઆઈએ કોર્ટે સિરિયા ખાતે આઈએસઆઈએસના સંપર્કમાં રહેલા રાજકોટના બે સગાભાઈઓ વસીફ આરીફ રામોડીયા અને નઇમ આરીફ રામોડીયાઓ સામે આકરી કાર્યવાહી કરી છે. ન્યાયાધીશ સુભદ્રાબેન બક્ષીએ બંને આતંકી ભાઈઓને 10-10 વર્ષની સજા ફટકારી છે. વસીમ અને નઇમને ગુજરાત એટીએસએ ભાવનગર અને રાજકોટથી ઝડપી પાડ્યા હતા.

બંને પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી સહિતની વસ્તુઓ મળી હતી. તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, બંનેએ ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ઉડાવી દેવા ‘લોન વુલ્ફ એટેક’ નામના ખતરનાક પ્લાન બનાવ્યો હતો. આતંકવાદી તાલીમ લેવા માટે સિરીયા જવાના હતા. જોકે, ષડયંત્ર સફળ થાય એ પહેલાં જ તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેના આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સંપર્ક હોવાનું એટીએસએ કોર્ટમાં સાબિત કર્યું છે.

મજબૂત ચાર્જશીટ બનાવી કોર્ટમાં રજૂ કરતા અમદાવાદની ખાસ અદાલતમાં આ કેસ ચાલ્યો હતો. સરકાર વતી એનઆઈએના સ્પેશ્યલ એડવોકેટ મુકેશ કાપડિયાએ જોરદાર દલીલો કરેલી, દલીલો, પુરાવા ધ્યાને લઇ કોર્ટે બન્ને ભાઈઓને 10-10 વર્ષની સજા ફટકારી છે.

આ સમાચારને શેર કરો